રાજસ્થાનના ફલોદી જિલ્લામાં રવિવારે મોડી સાંજે બનેલ એક ભયાનક માર્ગ અકસ્માતે અનેક પરિવારોને શોકમાં મૂક્યા છે. મતોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલર અને ટ્રક વચ્ચે અથડામણ થતાં 15થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 15થી 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો જોધપુરના સૂરસાગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
- સ્થળ પર જ 15થી વધુ લોકોના મોત નીપજ્યા
માહિતી મુજબ, ટેમ્પો ટ્રાવેલર બિકાનેરના કોલાયત મંદિરમાં દર્શન કર્યા બાદ સૂરસાગર તરફ પરત ફરી રહ્યો હતો. હનુમાન સાગર ચાર રસ્તા નજીક તીવ્ર ગતિએ દોડતી ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર ઊભેલા ટ્રકની પાછળ જોરદાર રીતે ઘૂસી ગઈ હતી. અથડામણ એટલી ભયાનક હતી કે વાહનનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું અને અનેક મૃતદેહો લોખંડના પાઈપો તથા સીટોમાં ફસાઈ ગયા હતા.
ફલોદીના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ કુંદન કંવરિયાએ જણાવ્યું કે, સ્થળ પર જ 15થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. ઈજાગ્રસ્તોને પ્રથમ તબક્કે ઓસિયાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, બાદમાં ગંભીર ઈજાઓને કારણે ગ્રીન કોરિડોર બનાવીને જોધપુર રેફર કરવામાં આવ્યા હતા.
- વાહન ઓળખવું મુશ્કેલ બન્યું
ફલોદીના DSP અચલસિંહ દેવડાએ જણાવ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે વાહન ઓળખવું મુશ્કેલ બન્યું હતું. મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો અને પોલીસને ભારે મહેનત કરવી પડી હતી.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શરમાએ એક્સ પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે ફલોદીમાં થયેલી માર્ગ દુર્ઘટના હૃદયવિદારક છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તંત્રને જરૂરી સૂચના આપી છે.



Leave a Comment