સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બિહારના મતદારોની યાદીમાંથી ગુમ 65 લાખ લોકોના નામની યાદી 19 ઓગસ્ટ સુધી રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ 22 ઓગસ્ટ સુધી આ આદેશનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે મૃત, સ્થળાંતર કરી ચૂકેલા મતદારોની યાદી રજૂ કરવા સહમતિ દર્શાવી હતી. આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ થશે. બેન્ચે જે લોકોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોય તેમને સુનાવણી માટે 30 દિવસની તક મળશે.
આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ થશે
સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ કરશે. બેન્ચે વધુમાં કહ્યું હતું કે, જે લોકોના નામ ભૂલથી કે જાણી જોઈને દૂર કરવામાં આવ્યા હોય, તેઓ આ મામલે દલીલ અને સુનાવણી કરવા માટે 30 દિવસની તક મળશે. તદુપરાંત પંચે પણ જે લોકોના નામ દૂર કર્યા છે, તેના કારણ રજૂ કરવાના રહેશે. જો કોઈ આપત્તિ સર્જાઈ તો તે મતદારોનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજ મેળવી તેમના નામ યાદીમાં સામેલ કરશે.
વિગતો જાહેર કરો, જેથી ભૂલ પકડાય
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, તમે વેબસાઈટ અને સ્થળના વિવરણ માટે જાહેર નોટિસ આપો. જેમાં મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા નામોની માહિતી જાહેર કરો. જેથી જો ચૂક કે ભૂલ થઈ હોય તો તેની જાણ થાય. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ પર ચૂંટણી પંચે જણાવ્યું કે, રાજકીય પક્ષોના કાર્યકરોએ મૃત, સ્થળાંતર કરી ગયેલા લોકોની યાદી આપી હતી. ચૂંટણી પંચની આ દલીલ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય બાગચીએ જણાવ્યું હતું કે, અમે નથી ઈચ્છતા કે, નાગરિકોના અધિકાર રાજકીય પક્ષોના કાર્યકરો પર નિર્ભર રહે.
ભૂલ સુધારવાની તક મળશે
બેન્ચે કહ્યું કે, મૃત, પલાયન કરી ચૂકેલા અથવા સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામ નોટિસ બોર્ડ કે વેબસાઈટ પર રજૂ કરવાથી અજાણતા થયેલી ભૂલો સુધારવાની તક મળશે. આ યાદીમાં જેને પણ વાંધો જણાશે તે 30 દિવસની અંદર સુધારા-વધારા કરાવી શકશે. ચૂંટણી પંચે આ મુદ્દે કહ્યું હતું કે, બિહારમાં લગભગ 6.5 કરોડ લોકોને SIR માટે કોઈ દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી.



Leave a Comment