મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં ભયાનક બસ દુર્ઘટના બની હતી જેમાં બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને 38 મુસાફરો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેરુ ઘાટ નજીક રાત્રિના સમયે બની હતી.
- ત્રણ મુસાફરોનું સ્થળ પર જ મોત
ગ્રામીણ પોલીસ અધિક્ષક યાંગચેન ડોલકર ભૂટિયાએ જણાવ્યું કે, ‘બસ ખીણમાં ખાબકતા ત્રણ મુસાફરોનું સ્થળ પર જ મોત થયું હતું. તમામ મૃતકો બસના આગળના ભાગમાં બેઠેલા હતા. મૃતકોની ઓળખ પ્રક્રિયા હાલ ચાલુ છે.’
- નિયંત્રણ ડ્રાઇવરના હાથમાંથી છટકી ગયું
પોલીસ અને પ્રશાસનના બચાવદળોએ ઘટના બાદ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. ખીણમાં ફસાયેલા 38 ઘાયલ મુસાફરોને રેસ્ક્યૂ કરીને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ બસનું નિયંત્રણ ડ્રાઇવરના હાથમાંથી છટકી ગયું હતું. જોકે, ઘટનાસ્થળ પરથી મળેલા એક વીડિયોમાં એક સાક્ષી કહી રહ્યો છે કે ડ્રાઇવર નશાની હાલતમાં હતો, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હોઈ શકે છે. પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
- ઘાયલોને નિઃશુલ્ક સારવારના આદેશ
મુખ્યમંત્રી મોહન યાદવે ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારોને રૂ. 2-2 લાખની આર્થિક સહાય અને ઘાયલોને નિઃશુલ્ક સારવારના આદેશ આપ્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે ‘ઇન્દોર દુર્ઘટનામાં જાનહાનિ અતિ દુઃખદ છે. ઘાયલોના ઝડપી આરોગ્યલાભ માટે પ્રાર્થના કરું છું.’



Leave a Comment