ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આવેલ ચુનાર રેલવે સ્ટેશન પર બુધવારે સવારે એક ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. સવારેબનેલી આ ઘટનામાં કાલકા એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં 7 થી 8 જેટલા શ્રદ્ધાળુઓ કપાઈ ગયા હતા. આ દુર્ઘટનાને પગલે સ્ટેશન પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
- પ્લેટફોર્મને બદલે ટ્રેક પર ઊતરવું પડ્યું ભારે
આ અકસ્માત ચુનાર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર થયો હતો. ચોપનથી આવેલી પેસેન્જર ટ્રેનમાં ભારે ભીડ હોવાને કારણે, કેટલાક શ્રદ્ધાળુઓ પ્લેટફોર્મ પર ઊતરવાને બદલે ટ્રેનની બીજી તરફના ટ્રેક પર ઊતરી ગયા હતા. શ્રદ્ધાળુઓ કંઈ સમજી શકે તે પહેલાં જ, તેજ રફતારમાં કાલકા એક્સપ્રેસ તે જ ટ્રેક પરથી પસાર થઈ, અને ૭-૮ લોકોને અડફેટમાં લીધા.
- મૃત્યુઆંક વધવાની શક્યતા
ટ્રેનની ટક્કર એટલી ગંભીર હતી કે કેટલાક મૃતદેહોના ટુકડા થઈ ગયા હતા. ઘટના પછી રેલવે ટ્રેક પર લોહી જ લોહી ફેલાઈ ગયું હતું. પોલીસે મૃતદેહોના ટુકડા એકઠા કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
- મૃતકો ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા
મૃત્યુ પામનાર અને ઘાયલ થનાર મોટાભાગના લોકો શ્રદ્ધાળુઓ હતા, જેઓ કાર્તિક પૂર્ણિમાના પવિત્ર દિવસે ગંગા સ્નાન કરવા માટે ચુનાર ઘાટ તરફ જઈ રહ્યા હતા. આ અણધારી દુર્ઘટનાના કારણે તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
- ટ્રેનને કોઈ સ્ટોપ નહોતો, તેથી ગતિ વધુ હતી
પ્રાથમિક તપાસ મુજબ, કાલકા એક્સપ્રેસનો ચુનાર સ્ટેશન પર કોઈ સ્ટોપ નહોતો. પરિણામે, ટ્રેનની ગતિ પ્રતિ કલાક ૬૦ કિલોમીટરથી વધુ હતી. ટ્રેનને સ્ટોપ ન હોવાથી વધુ ગતિમાં પસાર થઈ રહી હતી, જેના કારણે ટ્રેક પર ઊભેલા શ્રદ્ધાળુઓને સંભાળવાનો સમય મળ્યો નહોતો અને આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.



Leave a Comment