દુધરેજ વડવાળા મંદિરે રોશનીનો ઝગમગાટ
અખીલ ભારતીય રબારી સમાજના આસ્થા કેન્દ્ર એવા દુધરેજ વડવાળા મંદિરે દિવાળી અને નુતન વર્ષના તહેવારો નિમિત્તે રોશનીનો ઝગમગાટ કરાયો છે. મહંત કનીરામબાપુ અને કોઠારી મુકુંદરામબાપુની નિશ્રામાં આજે તા. 31મીએ સાંજે 6-00 કલાકે ચોપડા પુજન કરવામાં આવશે.
જયારે તા. 1લી નવેમ્બરને શુક્રવારે સાંજે 6-30 કલાકે ભવ્ય દીપમાળ યોજાશે. આ ઉપરાંત તા. 2જીના રોજ નુતન વર્ષના દિવસે સવારે 8-00 કલાકથી ભવ્ય અન્નકુટ દર્શનનું આયોજન કરાયુ છે. મોટી સંખ્યામાં ભકતોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
10થી વધુ દેશની ચલણી નોટમાંથી બનેલા વાઘા અર્પણ કરાયા
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના પાવન પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બુધવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દેશ-વિદેશની અલગ-અલગ ચલણી નોટોમાંથી બનાવેલા વાઘા અર્પણ કરાયા છે. આ પ્રસંગે સવારે શણગાર આરતી કરાઈ હતી. જેના દર્શનનો લ્હાવો મોટીસંખ્યામાં ભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી. બુધવારે દાદાને અર્પણ કરાયેલા વિશેષ વાઘા અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને અમેરિકા, કેન્યા, કેનેડા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને હોંગકોંગ સહિત અલગ-અલગ દસ દેશની ચલણી નોટોમાંથી બનાવેલા વિશેષ વાઘા અર્પણ કરાયા છે. આ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી ચાર દિવસની મહેનતે તૈયાર થયા છે. આ સિવાય શ્રી હનુમાનજીને 500 ગ્રામ સોનાનો હાર ધરાવાયો છે અને દાદા સમક્ષ પાંચ કિલો સોનું ધરવામાં આવ્યું હતું.
Source link