ટૉપ ન્યૂઝમારું ગુજરાત

બનાસકાંઠાનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો, 100થી વધું ટીમો કામે લાગી, હજુ પાણી ઓસર્યા નથી…

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે.

100 થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ કુલ 100 થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે. આ સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન, ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી,

તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી, નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે.

48 રસ્તાઓ અસરગ્રસ્ત બન્યા

વરસાદને કારણે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના કુલ 48 રસ્તાઓ અસરગ્રસ્ત બન્યા હતા. જિલ્લા કલેકટર મિહીર પટેલના નેતૃત્વમાં તંત્રની સાથે માર્ગ અને મકાન વિભાગે પણ અસરકારક કામગીરી કરીને તૂટેલા રસ્તાઓનું તત્કાલિક સમારકામ કરીને વાહન વ્યવહાર પુનઃ મોટરેબલ કરવામાં આવ્યો છે.

પંચાયત હસ્તકના ગ્રામીણ વિસ્તારમાં આવેલા 48 તૂટેલા રસ્તાઓ પૈકી 29 રસ્તાઓ પુનઃ મોટરેબલ કરાયા છે જ્યારે 19 રસ્તાઓના સમારકામની કામગીરી ચાલુ છે. એકબીજા ગામને આંતરિક જોડતા રસ્તાઓની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે.

થરાદ તાલુકામાં 14 માંથી 11 રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા

પંચાયત હસ્તકના થરાદ તાલુકામાં 14 માંથી 11 રસ્તાઓ, વાવ તાલુકામાં 15 માંથી 9 રસ્તાઓ, સુઈગામ તાલુકામાં 6 માંથી 1 રસ્તો, ધાનેરા તાલુકાના તમામ 2 રસ્તાઓ, દાંતીવાડા, ડીસા અને ભાભર તાલુકાના 1 – 1 રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ બંધ રસ્તાઓને વહેલી તકે શરૂ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોને વિનંતી છે કે બંધ રસ્તાઓ પર અવરજવર ન કરે અને સલામત માર્ગોનો જ ઉપયોગ કરે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button