DRDOએ આજે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)થી મોબાઈલ આર્ટિક્યુલેટેડ લોન્ચરથી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ (LRLACM)નું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું હતું. આ પરિક્ષણ દરમિયાન તમામ પેટા-સિસ્ટમ્સે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું અને પ્રાથમિક મિશન ઉદ્દેશ્યો પૂરા કર્યા.
રડાર, ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ (EOTS) અને ટેલિમેટ્રી જેવા બહુવિધ રેન્જ સેન્સર્સ દ્વારા મિસાઈલની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે ફ્લાઈટના પાથનું સંપૂર્ણ કવરેજને સુનિશ્ચિત કરવા માટે સમગ્ર ITRમાં બહુવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા.
મિસાઈલે પોતાની ક્ષમતાનું કર્યું પ્રદર્શન
મળતી માહિતી મુજબ આ મિસાઈલે નિર્ધારિત માર્ગને ફોલો કર્યો અને ઘણી ઉંચાઈઓ પર સ્પીડથી ઉડાન ભરીને ઘણા પ્રકારના મોડ અને ફેરફાર કરવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. મિસાઈલે સારૂ અને વિશ્વસનીય પ્રદર્શન સુનિશ્ચિત કરવા માટે અદ્યતન એવિઓનિક્સ અને સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. LRLACM એ એક મિશન મોડ પ્રોજેક્ટ છે. તેને મોબાઈલ આર્ટિક્યુલેટેડ લૉન્ચરનો ઉપયોગ કરીને જમીન પરથી અને યુનિવર્સલ વર્ટિકલ લૉન્ચ મોડ્યુલ સિસ્ટમનો ઉપયોગ કરીને ફ્રન્ટ-લાઇન જહાજોથી લૉન્ચ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
વિકાસ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટે કર્યું વિકસિત
LRLACMનો વિકાસ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, બેંગ્લોરે કર્યો છે. જેમાં અન્ય DRDO પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગોનું યોગદાન સામેલ છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ, હૈદરાબાદ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેંગલુરુ આ મિસાઈલના વિકાસ અને સંકલિત ઉત્પાદનમાં સામેલ છે. તેના પરીક્ષણ દરમિયાન ઘણી ડીઆરડીઓ પ્રયોગશાળાઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને ત્રણેય સેનાઓના પ્રતિનિધિઓ, જેઓ આ સિસ્ટમનો ઉપયોગ કરે છે, તે સ્થળ પર હાજર હતા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપ્યા અભિનંદન
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રથમ સફળ ઉડાન પરિક્ષણ માટે DRDO, સશસ્ત્ર દળો અને ઉદ્યોગને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ ભાવિ સ્વદેશી ક્રૂઝ મિસાઈલ વિકાસ કાર્યક્રમો માટે માર્ગ મોકળો કરે છે. જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે DRDOની સમગ્ર ટીમને LRLACMના આ સફળ પ્રથમ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા હતા.