આમલકી એકાદશી નિમિત્તે દ્વારકાધીશને શ્વેત મનોહર વાઘા અને દૈવી આભૂષણો ધરાવી અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. વારાદાર પુજારી પરિવાર દ્વારા ઠાકોરજી સમક્ષ વિશેષ પૂજન-અર્ચન કર્યા બાદ પરંપરાગત રીતે હોળી ખેલવામાં આવી હતી. મંદિરમાં ગુલાબની સુગંધિત પાંખુડીઓ અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે ભક્તોએ ઠાકોરજી સાથે રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો. આ દિવ્ય પુષ્પ હોળીના દર્શન કરી હજારો ભાવિકો ભાવવિભોર બન્યા હતા, જ્યારે લાખો કૃષ્ણભક્તોએ ઓનલાઈન માધ્યમથી આ ક્ષણનો લ્હાવો લીધો હતો.
ગોમતી સ્નાન અને ભક્તોનો અવિરત પ્રવાહ
એકાદશીના પવિત્ર દિવસે ગોમતી નદીમાં સ્નાન કરવાનું વિશેષ પુણ્ય હોવાથી વહેલી સવારથી જ ગોમતી ઘાટ પર માનવ મહેરામણ ઉમટ્યું હતું. હજારો શ્રદ્ધાળુઓએ ગોમતીમાં પવિત્ર ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી. સ્નાન બાદ ભક્તો સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર માર્ગે મંદિરમાં પ્રવેશી કાળિયા ઠાકોરના શરણમાં શીશ નમાવતા જોવા મળ્યા હતા. યાત્રાધામમાં ભજન-કીર્તન અને ઉપવાસના કારણે વાતાવરણ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયું છે.
ફુલડોલ ઉત્સવની પૂર્વતૈયારી
આગામી ફુલડોલ ઉત્સવ (હોળી) માં સહભાગી થવા માટે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ખૂણેખૂણેથી હજારો પદયાત્રીઓ ધજા-પતાકા સાથે દ્વારકા પહોંચી રહ્યા છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભીડમાં પણ તેઓ સરળતાથી દર્શન કરી શકે.


Leave a Comment