Earthquake hits Russias : રશિયાના કામચટકામાં ફરી 7.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કરાયું

રશિયાના કામચટકા ટાપુ પર ફરી એક વખત શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમેરિકન વૈજ્ઞાનિકોના સર્વે મુજબ આ ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ છે, જે ઘાતક શ્રેણીમાં આવે છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 10 કિલોમીટર ઊંડે હોવાનું જાણવા મળ્યું છે.
સુનામીની ચેતવણી
કામચટકા પ્રદેશના ગવર્નર વ્લાદિમીર સોલોદોવે ટેલીગ્રામ મારફતે માહિતી આપી કે પૂર્વ કિનારે સુનામીનો ખતરો હોવાના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હાલ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.
ભૂકંપગ્રસ્ત વિસ્તાર
કામચટકા પ્રદેશ વિશ્વના સૌથી વધુ ભૂકંપપ્રવણ ઝોનમાંનો એક છે, જ્યાં પેસિફિક પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટ મળે છે. આ કારણે અહીં વારંવાર ભારે ભૂકંપ નોંધાતા રહે છે.
તાજેતરના આંચકા
શનિવારે જ કામચટકાના દરિયાકાંઠે 7.4 તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. શરૂઆતમાં તેની તીવ્રતા 7.5 તરીકે નોંધાઈ હતી, પરંતુ પછી તેને સુધારીને 7.4 કરવામાં આવી. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (PTWC) એ જણાવ્યું હતું કે તે ભૂકંપથી સુનામીનો ખતરો નહોતો.