બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થતી નથી. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
આર્થિક ગુના શાખા (EOW)એ ત્રણેય સામે મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધ્યો છે. આ છેતરપિંડીનો કેસ તેમની બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા લોન-કમ-રોકાણ ડીલ સાથે સંબંધિત છે.
મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારીએ ફરિયાદ નોંધાવી
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે જુહુ પોલીસ સ્ટેશનમાં IPC કલમો હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, આ રકમ 10 કરોડ રૂપિયાથી વધુ હોવાથી કેસ EOWને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. 60 વર્ષીય દીપક કોઠારી જુહુના રહેવાસી છે અને લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર છે.
શું છે મામલો?
ઉદ્યોગપતિ દીપક કોઠારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, રાજેશ આર્ય નામના વ્યક્તિએ મારો રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સાથે પરિચય કરાવ્યો હતો, જે હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હતા. તે સમયે શિલ્પા અને રાજ કુન્દ્રા કંપનીના 87.6% શેર ધરાવતા હતા.
આરોપીઓએ કથિત રીતે 12% વ્યાજે 75 કરોડ રૂપિયાની લોન માંગી હતી, પરંતુ બાદમાં તેમને ઊંચા કરવેરાથી બચવા માટે રોકાણ તરીકે પૈસા રોકાણ કરવા માટે સમજાવ્યા. તેને માસિક વળતર અને મૂળ રકમની પણ ખાતરી આપવામાં આવી હતી.



Leave a Comment