
તાજેતરના કેટલાક મીડિયા અહેવાલોમાં એ ચિંતાઓ સામે આવી હતી કે પેટ્રોલમાં 20% ઇથેનોલના મિશ્રણ (E20)થી ખાસ કરીને જૂના મોડલના વાહનોના એન્જિનને નુકસાન પહોંચી શકે છે. પરંતુ કેન્દ્ર સરકારે આ દાવાઓને ખોટા ગણાવ્યા છે.
પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આવા અહેવાલો વૈજ્ઞાનિક આધાર વગરના છે અને તેમાં કોઇ દ્રઢ પુરાવો નથી. મંત્રાલયે ઉમેર્યું કે ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ પેટ્રોલ કરતાં વધુ હોય છે, જેના કારણે E20 ઈંધણ વધુ ગુણવત્તાયુક્ત હોય છે.
ટેસ્ટિંગમાંથી શું પરિણામ મળ્યા?
મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશ-વિદેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયેલા યાંત્રિક અને કાર્યક્ષમતા સંબંધિત પરીક્ષણોમાં જોવા મળ્યું છે કે E20 ઇંધણ એન્જિનની કાર્યક્ષમતા પર અસર કરતી નથી અને એન્જિનને નુકસાન પણ થતું નથી.
ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ (IIP) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના R&D વિભાગે કરેલા પરીક્ષણોમાં એવું જોવા મળ્યું છે કે E20ના ઉપયોગ દરમિયાન ન તો વાહનમાં કોઇ વિશિષ્ટ ઘસારો જોવા મળ્યો છે, ન કાર્યક્ષમતા ઘટી છે કે ન સ્ટાર્ટિંગમાં મુશ્કેલી આવી છે.
શું E20 પેટ્રોલ વધુ ગુણવત્તાયુક્ત છે?
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, રેગ્યુલર પેટ્રોલનું ઓક્ટેન રેટિંગ 84.4 હોય છે, જ્યારે ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ 108.5 છે. એટલે કે, E20 મિશ્રણવાળું ઇંધણ વધુ સારી દહન ક્ષમતા ધરાવે છે, જે એન્જિન માટે વધુ લાભદાયક બની શકે છે.