Surat : સુરતમાં વિદાય ટાણે ચોમાસાની સટાસટી, લિંબાયતમાં એક કલાકમાં 4.5 ઈંચ વરસાદ ખાબકતા ઘરોમાં પાણી ઘૂસ્યા

આજે સુરતમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ અને 3 કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે.અન્ય વિસ્તારોમાં પણ એક ઇંચથી બે સુધીનો વરસાદ પડ્યો હતો.
વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
વરસાદી પાણીના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, એક તરફ જ્યાં વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી હતી, ત્યાં બીજી તરફ શહેરીજનોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી.
લિંબાયતના રઘુકુળ ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા
લિંબાયત વિસ્તારમાં આવેલા રઘુકુળ ગરનાળામાં કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. કતારગામ ગોટાલાવાડી ખાતે રોડ પર પાણી ભરાયા છે. બીઆરટીએસ રોડમાં પણ પાણી ભરાયા છે. મેન રોડ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકોને બીઆરટીએસમાં ચાલવાની નોબત આવી છે.
સુરત મનપાનો પાણી નિકાલ કરવા પ્રયાસ
ડુંભાલ વિસ્તારમાં આવેલા ઓમ નગર ખાતે કમર સુધીના પાણી ભરાયા. પાલિકાના કર્મચારીઓ દ્વારા વરસાદી ચેમ્બરના ઢાંકણા ઉંચા કરીને પાણી નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે