ભારત અને પાકિસ્તાન વચ્ચે આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની ખૂબ ચર્ચિત મેચ 15 ફેબ્રુઆરીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ રમાશે. પાકિસ્તાન સરકારે સોમવારે સત્તાવાર રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ મેચ રમવાની મંજૂરી આપી દીધી છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતો વિવાદ સમાપ્ત થયો.
પાકિસ્તાનનું વલણ નરમ પડ્યું
પ્રધાનમંત્રી શહબાઝ શરીફને PCBના ચેરમેન મોહસિન નકવીએ આઇસીસી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને અન્ય સભ્ય દેશો સાથે થયેલી ઉચ્ચસ્તરીય ચર્ચાની માહિતી આપી. ત્યારબાદ સરકારે તમામ મુદ્દાઓ પર વિચાર કર્યા બાદ પાકિસ્તાન ટીમને મેદાનમાં ઉતરવાનો નિર્દેશ આપ્યો. પાકિસ્તાને પહેલાં પોતાની સરકારની સલાહ મુજબ ભારત સામેની મેચ ન રમવાની વાત કરી હતી, જેના કારણે સમગ્ર ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો છવાયા હતા. જોકે આઇસીસીની કડક ભૂમિકા, બાંગ્લાદેશની અપીલ અને સતત ચર્ચાઓ બાદ પાકિસ્તાનનું વલણ નરમ પડ્યું.
લાહોર બેઠક બાદ રસ્તો સાફ
લાહોરમાં યોજાયેલી બેઠક ઘણા કલાકો સુધી ચાલી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન દ્વારા રાખવામાં આવેલી મોટાભાગની માંગણીઓ પર આઇસીસીએ સહમતી દર્શાવી ન હતી. ત્યારબાદ PCBએ બહિષ્કારના વલણમાં નરમાઈ દાખવી અને હવે મેચ રમાવાનો માર્ગ સાફ થયો છે.
ICCએ પાકિસ્તાનની કોઈ માંગ સ્વીકારી ન હતી
ભારત-પાકિસ્તાન મેચ ક્રિકેટ જગતમાં સૌથી મોટી અને સૌથી વધુ આવક લાવતી મેચ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો આ મેચ રદ થઈ હોત, તો આઇસીસી, પ્રસારણકર્તાઓ અને તમામ સભ્ય બોર્ડોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હોત. હવે મેચ નિર્ધારિત સમયમાં યોજાતા ટૂર્નામેન્ટ અને સમગ્ર ક્રિકેટ વ્યવસ્થાને મોટી રાહત મળી છે. નોંધનીય છે કે, લાહોર બેઠક દરમિયાન પાકિસ્તાને અનેક શરતો મૂકી હતી,
જેમાં ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ, ભારત-બાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સિરીઝ, હેન્ડશેક વિવાદ અને આવક વધારવાની માંગ સામેલ હતી, પરંતુ આઇસીસીએ પાકિસ્તાનની કોઈ માંગ સ્વીકારી ન હતી. આઇસીસીએ માત્ર એટલું કહ્યું કે, તે બાંગ્લાદેશ સામે કોઈ આર્થિક કાર્યવાહી નહીં કરે, પરંતુ પાકિસ્તાનની અન્ય કોઈ શરતો સ્વીકારવામાં આવી નહીં. અંતે પાકિસ્તાનને પોતાનું વલણ બદલવું પડ્યું.
બાંગ્લાદેશ સામે કોઈ કાર્યવાહી નહીં કરે ICC
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સોમવારે જણાવ્યું કે, ભારત ખાતે પોતાના ટી20 વર્લ્ડ કપ મેચ રમવા ઇનકાર કરવા બદલ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર કોઈ પણ પ્રકારનો દંડ લાદવામાં આવશે નહીં. વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ જણાવ્યું કે આ નિર્ણય BCB અને PCB બંને સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે.
પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આઇસીસીએ એક નિવેદનમાં જણાવ્યું કે, “હાલના મામલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર કોઈ આર્થિક, રમતગમત સંબંધિત કે વહીવટી દંડ લાદવામાં નહીં આવે. સાથે જ સ્વીકારવામાં આવ્યું છે કે BCB ઇચ્છે તો તે વિવાદ નિરાકરણ સમિતિનો સંપર્ક કરી શકે છે. આ અધિકાર આઇસીસીના વર્તમાન નિયમો હેઠળ ઉપલબ્ધ છે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.”
બાંગ્લાદેશને 2028થી 2031 વચ્ચે કોઈ એક ટૂર્નામેન્ટની યજમાની સોંપાશે
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશે સુરક્ષા કારણો બતાવીને આ મેગા ઇવેન્ટ માટે ભારત પ્રવાસ કરવા ઇનકાર કર્યો હતો, જેના કારણે તેની જગ્યાએ સ્કોટલૅન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું. વિશ્વ ક્રિકેટ સંસ્થાએ તે પણ જણાવ્યું કે પરસ્પર સમજૂતી હેઠળ બાંગ્લાદેશને 2028થી 2031 વચ્ચે કોઈ એક આઇસીસી ટૂર્નામેન્ટની યજમાની સોંપવામાં આવશે.
આઇસીસીના જણાવ્યા મુજબ આ સમજૂતી અનુસાર 2031ના આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ પહેલાં બાંગ્લાદેશ એક આઇસીસી ઇવેન્ટનું આયોજન કરશે, જે સામાન્ય આઇસીસી યજમાની પ્રક્રિયા, સમયમર્યાદા અને કામગીરી સંબંધિત શરતોને આધિન રહેશે.
આ પહેલા BCBના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ રવિવારે પાકિસ્તાન પહોંચ્યા હતા, જ્યાં આઇસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વર્ચ્યુઅલ બેઠક સહિત અનેક ચર્ચાઓ કરીને આ વિવાદ ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.


Leave a Comment