જૂનાગઢના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર બિરાજમાન આદ્યશક્તિ મા અંબાના પવિત્ર ધામને અપવિત્ર કરનારા શખ્સો સામે વહીવટી તંત્ર અને પોલીસે લાલ આંખ કરી છે. મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલ માણતા હોવાના વીડિયો વાયરલ થયા બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ મામલે કલેક્ટરના આદેશ બાદ બે અલગ-અલગ ગુનામાં કુલ 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ બદલ 12 કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ગત 22 ઓક્ટોબર 2025ના રોજ મંદિરના મુખ્ય પૂજારી કિશોરસિંહ ચૌહાણના પુત્ર અભિષેક ચૌહાણે કાયદા અને ધર્મની મર્યાદા ઓળંગી હતી. અભિષેક તેના મિત્રો સાથે ગિરનારની સીડીઓ ચઢીને ઉપર પહોંચ્યો હતો.
આ ટોળકીએ મંદિરના અતિ પવિત્ર ગણાતા ‘ગોખ’ના આગળના ભાગમાં દારૂનું સેવન કર્યું હતું. એટલું જ નહીં, ત્યારબાદ આ શખ્સો મંદિરના ભંડારાના રસોઈઘરમાં ઘૂસ્યા હતા, જ્યાં તેઓએ નોનવેજની મિજબાની માણી અશ્લીલ ગાળાગાળી કરી હતી.
6 લોકો સામે ગુનો નોંધાયો
આ શરમજનક કૃત્યમાં અભિષેક ચૌહાણ, જીગ્નેશ ડાભી, છગન ડાભી, નિખિલ મેઘનાથી અને બે સગીરો સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસ તપાસ મુજબ, છગન ડાભી શહેર વિસ્તારમાંથી દારૂ અને માંસ પર્વત પર પહોંચાડવાની મુખ્ય કડી હતો.


Leave a Comment