T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ગુરુવારે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને નામિબિયા આમને-સામને આવશે. કાગળ પર આ મુકાબલો ભારત માટે સરળ માનવામાં આવી રહ્યો છે, પરંતુ ટીમના કેટલાક મુખ્ય ખેલાડીઓની ફિટનેસ ચિંતાએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી છે.
ઓપનિંગ જોડી પર સસ્પેન્સ
યુવા ઓપનર અભિષેક શર્મા વાયરલ તાવ અને પેટના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ હતો. તેને રજા મળી ગઈ છે, પરંતુ પાકિસ્તાન સામેની 15 ફેબ્રુઆરીની હાઈ-વોલ્ટેજ મેચને ધ્યાનમાં રાખીને તેને નામિબિયા સામે આરામ અપાય તેવી શક્યતા છે.
બીજી તરફ, ઈશાન કિશન પ્રેક્ટિસ દરમિયાન જસપ્રીત બુમરાહની યોર્કર વાગવાથી ઇજાગ્રસ્ત થયો હતો. જોકે તે ફરી નેટ્સમાં પરત ફર્યો, છતાં તેની સંપૂર્ણ ફિટનેસ અંગે સસ્પેન્સ છે. જો બંને ખેલાડીઓ બહાર બેસે, તો સંજુ સેમસન અને વોશિંગ્ટન સુંદર ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.
દિલ્હીની પિચ પર રનની વર્ષા?
અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. મુંબઈની ધીમી પિચ બાદ દિલ્હીમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને તિલક વર્મા જેવા બેટ્સમેનો માટે આક્રમક રમત રમવાની ઉત્તમ તક રહેશે. ભારત ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.
સંજુ સેમસન માટે સુવર્ણ તક
સંજુ સેમસન છેલ્લા કેટલાક સમયથી ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઈશાનની ગેરહાજરીમાં તેને પોતાને સાબિત કરવાની મોટી તક મળશે. ટીમ મેનેજમેન્ટ તેની ભૂમિકા પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે.
નામિબિયા સામે કઠિન પડકાર
જસપ્રીત બુમરાહની ઝડપ, અર્શદીપ સિંહની સ્વિંગ અને વરુણ ચક્રવર્તીની મિસ્ટ્રી સ્પિન સામે નામિબિયા માટે ટકી રહેવું મુશ્કેલ રહેશે. તાજેતરમાં ભારત-A સામે 100 રનની અંદર ઓલઆઉટ થવાથી નામિબિયાની નબળાઈ સ્પષ્ટ થાય છે.
ભારત માટે આ મેચ માત્ર બે પોઈન્ટ મેળવવા માટે જ નહીં, પરંતુ પાકિસ્તાન સામેની મહામુકાબલા પહેલાં પરફેક્ટ રિહર્સલ સાબિત થઈ શકે છે.
સંભવિત પ્લેઇંગ-11
ભારત:
સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.
નામિબિયા:
લોરેન સ્ટીનકેમ્પ, જાન ફ્રાયલિંક, લોફ્ટી-ઇટન, ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જેજે સ્મિટ, ઝેન ગ્રીન, ડાયલન લીચર, રુબેન ટ્રમ્પેલમેન, વિલેમ મિબર્ગ, બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ, મેક્સ હિંગો.


Leave a Comment