
અમદાવાદથી દીવ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકઓફ પહેલા એન્જિનમાં આગ લાગતા દુર્ઘટનાની શક્યતા ઉભી થઈ હતી. ફ્લાઈટમાં કુલ 60 મુસાફરો સવાર હતા. પાયલટે તરત જ ATCને ‘મેડે’નો કોલ આપીને ફ્લાઈટ રોકી દીધી અને તાત્કાલિક મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા.
પાયલટે સમયસૂચકતા દાખવી
ફ્લાઈટ રન-વે પર રોલિંગ કરી રહી હતી ત્યારે એન્જિનમાં તકલીફ સર્જાઈ હતી. જો કે પાયલટે સમયસૂચકતા દાખવી માજા ટાળી હતી. એરલાઈનના જણાવ્યા અનુસાર ફ્લાઈટ નંબર ATR76 ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી છે અને ત્યારબાદ પ્લેનને ‘બે’ પર પાછું લાવવામાં આવ્યું હતું.
તકનિકી તપાસ હાથ ધરાશે
પાયલટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસરી સુરક્ષા અધિકારીઓને તાકીદે જાણ કરી હતી. ફ્લાઈટને ઓપરેશનમાં પાછું લાવ્યા પહેલા સમગ્ર તકનિકી તપાસ હાથ ધરાશે. પાયલટની ફરજપરાયણતા અને ઝડપી પગલાંના કારણે તમામ મુસાફરો સુરક્ષિત બચી ગયા છે.
સંપૂર્ણ રિફંડની ઓફર આપવામાં આવી
એરલાઈન્સે મુસાફરોની અસુવિધા બદલ માફી માગી છે અને અન્ય ફ્લાઈટ મારફતે તેમના ગંતવ્યે મોકલી દીધા છે. સાથે જ સંપૂર્ણ રિફંડની પણ ઓફર આપવામાં આવી છે. નોંધનીય છે કે 21 જુલાઈએ પણ ગોવા-ઇન્દોર ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી પરંતુ તે સમયે પણ પાયલટે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.