Gandhinagar News: દહેગામ તાલુકામાં એક એવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેને જોઈને સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. વાસણા–હરસોલી રોડ નજીક એક નિષ્ઠુર માતાએ પોતાનું નવજાત બાળક ઝાડીમાં તરછોડી દીધું હતું. પરંતુ ગણેશપુરા ગામના નિઃસંતાન દંપતી મોહનસિંહ રાઠોડ અને તેમની પત્ની આ બાળક માટે દેવદૂત સાબિત થયા છે.
- ગોદડીમાં લપેટાયેલું બાળક જીવન–મરણ વચ્ચે સંઘર્ષ કરતું મળ્યું
મોહનસિંહ રાઠોડ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝાડીમાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો. તપાસ કરતાં તેમને એક ગોદડીમાં લપેટાયેલું નવજાત બાળક મળ્યું, જે માતાની હૂંફ વિના જીવતદાન માટે સંઘર્ષ કરી રહ્યું હતું.
- નિઃસંતાન દંપતી બન્યા દેવદૂત — તરત હોસ્પિટલ લઈ ગયા
આ દૃશ્ય જોઈ મોહનસિંહ હચમચી ઊઠ્યા. આસપાસ તપાસ છતાં બાળકની માતાનો કોઈ પત્તો ન લાગતાં તેમણે બાળકને ઘરે લઈ જઈ પોતાની પત્નીને સોંપ્યું. દંપતીએ તરત જ બાળકને લઇ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી.
- બાળકની તબિયત સુધારા પર
હાલમાં બાળક જોખમમાંથી બહાર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સમયસર મદદ મળતાં બાળકને નવજીવન મળ્યું છે, જેને લઈ ગામમાં રાહતનો માહોલ છે.
- પોલીસે બાળકની માતા શોધવા તપાસ ગતિમાન કરી
દહેગામ પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોમાં પૂછપરછ, સીસીટીવી ચેકિંગ સહિતની કાર્યવાહી કરીને બાળકની નિષ્ઠુર માતાને શોધવાનો પ્રયાસ ચાલુ છે. સમાજમાં આવી હૃદયદ્રાવક ઘટનાઓ અટકાવવા કડક પગલાં લેવાશે, તેવી પોલીસની સ્પષ્ટતા છે.


Leave a Comment