GUJARAT

Gandhinagar :ગુજરાત સરકારે અદાણીના 3 પોર્ટની કન્સેશનલ લીઝ વધુ 45 વર્ષ લંબાવી

  • એકલા અદાણીના મુંદ્રા, હજીરા અને દહેજ પોર્ટ્સ માટે નિર્ણય, રાજ્યની તિજોરીને કરોડોનું નુકસાન
  • અદાણી કિંમત વધારી લૂંટ ચલાવશે : કોંગ્રેસનો આક્ષેપ
  • ચૂંટણીના સમયે નિર્ણય થયો : બિડિંગ પ્રક્રિયા જ સરકારે અભરાઈએ ચડાવી દીધી

ગુજરાત સરકારે અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ જે રાજ્યમાં મુન્દ્રા, હજીરાઅને દહેજ એમ ત્રણ બંદરો ઉપર અંકુશ ધરાવે છે, તેને 30 વર્ષનો કન્સેશનલ લીઝ પિરિયડ વધુ 45 વર્ષ લંબાવીને કુલ 75 વર્ષનો કરી આપ્યો છે. આને કારણે મોનોપોલી ઊભી થવાથી તથા સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા નહીં થવાથી રાજ્યની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન જશે, તેવો આક્ષેપ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કર્યો હતો.

આ સંદર્ભે ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી, પરંતુ જયરામ રમેશના જણાવ્યા પ્રમાણે 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં અદાણી પોર્ટ્સ કંપનીએ તેને બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર (બૂટ) પોલિસીના ધોરણે મુન્દ્રા, હજીરા અને દહેજ બંદરો માટે અપાયેલો 30 વર્ષનો કન્સેશન પિરિયડ કુલ 75 વર્ષનો કરવા માટે જીએમબીને પ્રપોઝલ મોકલી હતી. સામાન્ય રીતે કન્સેશનલ લીઝ પિરિયડ મહત્તમ 50 વર્ષનો અપાય છે, તેના કરતાંય આ વધુ વર્ષોની માગણી હતી. જીએમબીએ આ પ્રપોઝલ આવતાં, તેના બોર્ડની મંજૂરી વગર માગણી સંતોષવાના ભાગરૂપે સીધેસીધી મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવવાની ઉતાવળ કરી હતી, એટલું જ નહીં માગણી મંજૂર કરવાની પણ વિનંતી કરી હતી. બોર્ડની મંજૂરી વગર આ દરખાસ્ત આવી હોઈ સરકારમાં આ પ્રપોઝલની ફાઇલ જીએમબીને પરત મોકલાઈ હતી. બાદમાં જીએમબીએ રાજ્ય સરકારને એવી ભલામણ કરી હતી કે, 30 વર્ષનો કન્સેશન લીઝ પિરિયડ પૂરો થાય તે પહેલાં અદાણી સહિત અન્ય સંભવિત ઓવપરેટરો તથા કંપનીઓ પાસેથી બિડ આમંત્રિત કરવામાં આવે તો રાજ્ય સરકારની આવકના હિતોનું રક્ષણ થઈ શકે. અલબત્ત, જીએમબીની આ ભલામણ બાદ એકાએક જીએમબીએ પોતાનાં જ નિર્ણયમાં ફેરફાર કરી નાખ્યો હતો, જેમાં નવી બિડને આમંત્રિત કર્યા વિના અને જૂની શરતો ઉપર નવેસરથી વાટાઘાટો કર્યા વિના ખાસ અદાણી માટે કન્સેશનલ સમયગાળો વધારવાની ભલામણ કરતો સુધારો દાખલ કરાયો હતો. ત્યારબાદ અંતે અદાણીને કન્સેશનલ લીઝ પિરિયડ વધુ 45 વર્ષ માટે વધારી આપતી દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.

જયરામ રમેશે વધુમાં આક્ષેપ કર્યો કે, ગુજરાત સરકારના આ અદાણી તરફી નિર્ણયને કારણે અદાણી જૂથની અદાણી પોર્ટ્સ કંપની રાજ્યના પોર્ટ સેક્ટર ઉપર એકાધિકાર જાળવી રાખશે, પોર્ટ સેક્ટરમાં સ્પર્ધાત્મક બિડિંગ થશે નહીં અને એને લીધે સામાન્ય માણસ માટે કિંમતોમાં વધારો થશે. પુનઃવાટાઘાટો તથા સ્પર્ધાત્મક બિડિંગ નહીં થવાથી રાજ્યની તિજોરીને પણ કરોડો રૂપિયાની આવકનું નુકસાન થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button