Gandhinagar : ગુજરાતને મળશે નવા એરપોર્ટ: આ બે શહેરો બનશે હવાઈ મુસાફરીના કેન્દ્ર!

ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા ચોમાસું સત્રના બીજા દિવસે રાજ્યમાં નવા એરપોર્ટ અને હાલના એરપોર્ટના વિસ્તરણને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ સત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન એરપોર્ટના વિકાસ અંગેની માહિતી સામે આવી છે.
ગુજરાતમાં નવા એરપોર્ટના નિર્માણ અને વિસ્તરણની કામગીરી પ્રગતિમાં
વિધાનસભામાં મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા રાજ્યમાં ચાલી રહેલા એરપોર્ટ પ્રોજેક્ટ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં સરકારે જણાવ્યું કે, કેશોદ, પોરબંદર અને ભાવનગર ખાતેના એરપોર્ટનું વિસ્તરણ કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત, દ્વારકા અને દાહોદ ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે.
જમીન સંપાદન અને અન્ય કામગીરી
કેશોદ એરપોર્ટના વિસ્તરણ માટે રાજ્ય સરકાર દ્વારા 205 એકર સરકારી અને ખાનગી જમીન એરપોર્ટ ઓથોરિટીને સોંપવામાં આવી છે. તેવી જ રીતે, દ્વારકા અને દાહોદમાં નવા એરપોર્ટ માટે જમીન મેળવવાની કામગીરી પણ ચાલી રહી છે. પોરબંદર અને ભાવનગર એરપોર્ટના વિસ્તરણ માટે પણ વધારાની જમીન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ વિકાસકાર્યોથી આગામી સમયમાં ગુજરાતમાં હવાઈ મુસાફરી વધુ સુલભ બનશે.