Gandhinagar News: ગાંધીનગરના સીમાડે આવેલા રાંધેજા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે એક મોટું ‘ઓપરેશન ડિમોલિશન’ હાથ ધરવામાં આવ્યું. લાંબા સમયથી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા ધાર્મિક બાંધકામને બુલડોઝર વડે ધરાશાયી કરી આશરે 150 વર જેટલી કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરાઈ છે.
કોઈ વિરોધ કે કાયદો-વ્યવસ્થાની સમસ્યા ન સર્જાય તે માટે સમગ્ર કાર્યવાહી અત્યંત ગુપ્ત રીતે સવારે વહેલી કલાકોમાં કરવામાં આવી હતી. જેસીબી મશીનો, પોલીસ બંદોબસ્ત અને વહીવટી અધિકારીઓ સાથે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો.
વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સ્થળે અગાઉ અનેક વખત નોટિસ આપવામાં આવી હતી અને સ્વેચ્છાએ દબાણ હટાવવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. છતાં દબાણ ન હટાવતા આખરે તંત્રને કડક પગલું ભરવું પડ્યું.
જેસીબીના પંજાએ ગણતરીની મિનિટોમાં જ ગેરકાયદે ધાર્મિક માળખું તોડી પાડ્યું. ડિમોલિશન બાદ જમીન ફરી સરકારી હસ્તક લઈ ફેન્સિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
રાંધેજાની આ કાર્યવાહીથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પર દબાણ કરીને બેઠેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ધર્મ કે વ્યવસાયના નામે થયેલા કોઈપણ ગેરકાયદે દબાણને સહન કરવામાં નહીં આવે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ તો માત્ર શરૂઆત છે અને આગામી દિવસોમાં ગાંધીનગર જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવી જ ઓચિંતા કાર્યવાહી હાથ ધરાશે.


Leave a Comment