Gandhinagar : દહેગામમાં વૃદ્ધ દંપતિના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું, 10 લાખથી વધુનો મુદ્દામાલ ઉઠાવી ફરાર

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ગામમાં એક વૃદ્ધ દંપતી રહે છે. ગત તા. 1/9/2025ના રોજ તેમના મોટા દીકરા રાહુલની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો.
પરિણામે પૌત્રીના જન્મની ખુશીમાં તેઓ ઘરને તાળું મારી અમદાવાદ શહેરના વસ્ત્રાલ ગયા હતા. જેનો લાભ ઉઠાવીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
આ અંગે જ્યારે પાડોશમાં રહેતા લોકોને થતા તેમણે ફોન કરીને તેમને જાણ કરી કે તેમના ઘરનો મુખ્ય દરવાજો અને જાળી ખુલ્લા છે અને તાળું તૂટેલી હાલતમાં છે. પરિણામે તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા.
સોનાના દાગીના સહિત 10.27 લાખના માલમત્તાની ચોરી
બાદમાં તપાસ કરતાં મુખ્ય દરવાજાનું તાળું પણ તૂટેલી હાલતમાં પડ્યું હતું. ઘરમાં પ્રવેશતા અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને લોખંડની તિજોરી પણ તોડી નાખવામાં આવી હતી.
તસ્કરોએ તિજોરીમાંથી રૂ. 72,000 રોકડા, આશરે એક કિલો ચાંદીના દાગીના જેની કિંમત રૂ. 1.25 લાખ તથા રસોડામાં આવેલા મંદિરના ડ્રોવરમાંથી રૂ. 4.50ની કિંમતનું સાડા ચાર તોલાનું મંગળસૂત્ર, રૂ. 2 લાખની બે તોલાની સોનાની ચેન, રૂ. 60 હજારની કિંમતની સોનાની ત્રણ જોડ બુટ્ટી અને રૂ. 1.20 લાખની કિંમતની ત્રણ સોનાની વીંટી મળી કુલ રૂ. 10.27 લાખની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
પોલીસે CCTV આધારે તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટના અંગે વૃદ્ધે દહેગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરી તસ્કરોને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.