Gandhinagar : TRAI અને પોલીસની ખોટી ઓળખ આપી 11.42 કરોડની છેતરપિંડી આચરનાર ત્રણ પકડાયા

ગુજરાતમાં સાયબર ક્રાઇમના વધતા ગુનાઓ પર અંકુશ મેળવવા સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ ગાંધીનગરની ટીમે મોટી સફળતા મેળવી છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) અને પોલીસ અધિકારીઓની ખોટી ઓળખ આપીને ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે લોકોને ડરાવી-ધમકાવીને કુલ રૂ.11,42,75,000ની માતબર રકમની છેતરપિંડી આચરતી ગેંગના ત્રણ સભ્યોને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાયબર સેલની ટીમે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ વિભાગના એસપી રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે, સાયબર ક્રિમિનલ્સે ભોગ બનનારનો વોટ્સએપ વીડિયો કોલ કે સાદા કોલ દ્વારા સંપર્ક કરી પોતે TRAI દિલ્હીના કર્મચારી અથવા પોલીસ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ થયો હોવાનું જણાવી ડરાવતા
બાદમાં ફરિયાદીના આધારકાર્ડથી એક્ટિવ થયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં થયો હોવાનું જણાવી ડરાવતા હતા. ફરિયાદી વિરુદ્ધ એફઆઈઆર થઈ હોવાનું તેમજ સીબીઆઈ, ઈડી, આબીઆઈ, સેબી, રો જેવી મોટી એજન્સીઓ તપાસ કરી રહી હોવાનું અને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ થયો હોવાનું જણાવી ડરાવતા હતા.
બેંક ખાતાઓમાં મોટી રકમ જમા કરાવી છેતરપિંડી આચરી
આમ ભોગ બનનારને ડરના ઓથાર હેઠળ રાખી આ બાબતે કોઈને વાત ન કરવા ઘરની બહાર ન નીકળવા અને જીવનું જોખમ છે તેમ કહી વીડિયો કોલ મારફતે ગેરકાયદેસર ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રાખતા હતા. આજીવન કેદના ખોટા ગુનામાં ફસાવી દેવાના ભયમાં મૂકી અલગ-અલગ બેંક ખાતાઓમાં મોટી રકમ જમા કરાવી છેતરપિંડી આચરી હતી.