Visnagarમાં સગીરા પર ગેંગરેપ, 6 નરાધમે અપહરણ કરી વારાફરતી દુષ્કર્મ આચર્યું

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક અત્યંત સનસનાટીભર્યો અને ક્રૂર કિસ્સો સામે આવ્યો છે, જેને કારણે આખા શહેરમાં હડકંપ મચી ગયો છે. માનવતાને લજવનારી આ ઘટનામાં માત્ર 15 વર્ષની એક સગીરા પર કુલ છ જેટલા શખસ દ્વારા અલગ-અલગ સ્થળોએ લઈ જઈને વારાફરતી સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. સગીરા ઘરે પરત આવતા પૂછપરછમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સગીરાના અપહરણ બાદ વારંવાર દુષ્કર્મ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના 4 ઓક્ટોબરના રોજ બની હતી. રાત્રિના સમયે ચાલવા નીકળેલી એક કિશોરીનું પવન ઠાકોર અને વિજય ઠાકોર નામના શખ્સોએ અપહરણ કર્યું હતું. કિશોરીને એક અવાવરી જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
બે દિવસ ગોંધી રાખીને દુષ્કર્મ
કિશોરી પોતાના ઘરે જાય તે પહેલાં જ પ્રકાશ મોદી નામનો એક અન્ય શખ્સે તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી સતત દુષ્કર્મ આચર્યું હતું. આ બે દિવસ દરમિયાન સગીરા ગુમ હોવાથી તેના પરિવારજનો અને પોલીસ તેની શોધખોળ કરી રહ્યા હતા. સગીરા મળી આવતાં પરિવાર અને પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો, જેના પગલે ચકચાર મચી ગઈ છે.
6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
વિસનગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. કિશોરીની ફરિયાદના આધારે પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોકસો એક્ટ, દુષ્કર્મ અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.