Udaipur Gang Rape Case: રાજસ્થાનના ઉદયપુરમાં કોર્પોરેટ જગતને શરમમાં મુકી દેતો એક ગંભીર ગુનાહિત મામલો સામે આવ્યો છે. એક ખાનગી IT કંપનીના CEO સહિત ત્રણ ઉચ્ચ અધિકારીઓએ પોતાની જ સહકર્મી મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ સાબિત થતાં પોલીસે તેમની ધરપકડ કરી છે.
આ ઘટના શોભાગપુરા વિસ્તારમાં આવેલી હોટલમાં યોજાયેલી બર્થડે અને ન્યૂ યર પાર્ટી બાદ બની હતી. પાર્ટી પૂરી થયા બાદ રાત્રે લગભગ 1:45 વાગ્યે પીડિતાને બળજબરીથી કારમાં બેસાડવામાં આવી હતી. આરોપ છે કે મુસાફરી દરમિયાન પીડિતાને નશાકારક ધૂમ્રપાન કરાવી અર્ધબેભાન હાલતમાં મૂકવામાં આવી હતી.
આ અવસ્થાનો લાભ લઈ CEO જીતેશ અને ગૌરવે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે કંપનીની એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા પણ આ સમગ્ર ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. સવારે લગભગ 5 વાગ્યે પીડિતાને તેના ઘરે છોડી દેવામાં આવી હતી.
પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓની કારની તપાસ કરી, જેમાં લગાવવામાં આવેલ ડેશકેમમાંથી ઘટનાના ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ મળી આવ્યા. આ ડેશકેમ ફૂટેજ કેસમાં સૌથી મજબૂત વૈજ્ઞાનિક પુરાવો બન્યું છે.
જિલ્લા એસપી યોગેશ ગોયલે જણાવ્યું કે મેડિકલ રિપોર્ટમાં ગેંગરેપની પુષ્ટિ થાય તેવા ઈજાના નિશાન મળ્યા છે. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખી તપાસ એડિશનલ એસપી માધુરી વર્માને સોંપવામાં આવી છે. હાલ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે.
આ ઘટનાને પગલે ઉદયપુર સહિત સમગ્ર રાજ્યમાં રોષની લાગણી ફેલાઈ છે અને મહિલા સુરક્ષા મુદ્દે ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.


Leave a Comment