આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં સ્થિત ઓએનજીસી (ONGC)ના તેલ કૂવામાંથી મોટા પાયે ગેસ લીકેજ થતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ઉત્પાદન થોડા સમય માટે બંધ કર્યા બાદ કૂવામાં સમારકામ માટે વર્કઓવર રિગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક આ ગંભીર ઘટના બની.
સમારકામ દરમિયાન કૂવામાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે કાચા તેલ સાથે મિશ્રિત ગેસનો મોટો જથ્થો હવામાં ફેલાઈ ગયો. આ તેલ કૂવો કોનાસીમાના રાઝોલ મંડલના ઇરુસુમંડા ગામ નજીક આવેલો છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, લીક થયેલા ગેસમાં તરત જ આગ લાગી હતી. આગ અને ગેસના કારણે સુમંડા સહિત આસપાસના વિસ્તારોમાં ઘન ધુમાડું ફેલાઈ ગયું, જેના કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ.
જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નજીકના ગામોને ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અનેક લોકો પોતાના પશુધન સાથે સલામત સ્થળે ખસેડાયા છે. પ્રશાસન દ્વારા લોકોને વીજળીનો ઉપયોગ, વિદ્યુત ઉપકરણો ચાલુ કરવાનું અને ગેસ સ્ટવ સળગાવવાનું ટાળવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
ઓએનજીસીના ફાયર અને ટેકનિકલ ટીમો સ્થળ પર હાજર છે અને ગેસ લીકેજને કાબૂમાં લેવા તથા આગ બુઝાવવાની કાર્યવાહી ઝડપી ગતિએ ચાલી રહી છે. અધિકારીઓએ સમગ્ર વિસ્તારને સીલ કરી પરિસ્થિતિ પર સતત નજર રાખી છે.


Leave a Comment