Gir Somnath : 80 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત 3 ના મોત

વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં મોડી રાત્રે બનેલી દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. 80 વર્ષ જૂનું ત્રણ માળનું મકાન ધરાશાયી થતા માતા-પુત્રી સાથે એક બાઈકચાલકનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ઘટના સમયે શેરીમાં લોકોની અવરજવર ચાલી રહી હતી, જેના કારણે અચાનક થયેલા ધડાકાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગ, નગરપાલિકા, પોલીસ તેમજ ખારવા સમાજના આગેવાનોની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
રાત્રે શરૂ થયેલ કામગીરી સવારે લગભગ 4:30 વાગ્યા સુધી ચાલુ રહી, જેમાં કાટમાળમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા અને બે લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા.
મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું
આ દુર્ઘટનામાં દિનેશ પ્રેમજી જુંગી (34), દેવકીબેન શંકરભાઈ સૂયાની અને તેમની પુત્રી જશોદાબેન સૂયાનીનું મૃત્યુ થયું છે. શંકરભાઈ સૂયાની અને એક અન્ય મહિલાને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું અને તાજેતરના વરસાદને કારણે તેનું માળખું વધુ નબળું પડ્યું હોવાની શક્યતા છે. ચાર કલાક સુધી ચાલેલી રાહત કામગીરી દરમિયાન ફાયર વિભાગ અને સ્થાનિક સ્વયંસેવકો સતત મથામણ કરતા રહ્યા.
આ દુર્ઘટનાએ ખારવા સમાજમાં શોકની લહેર દોડી ગઈ છે, જ્યારે પ્રશાસન તરફથી જૂના મકાનોની તાત્કાલિક તપાસ અને સલામતી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.