ફાર્મા ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દવા ઉત્પાદન માટે અત્યંત મહત્વના ગણાતા “કી સ્ટાર્ટિંગ મટિરિયલ” (KSM) અને “એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ” (API)ના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં જ નોંધપાત્ર વધારો થયો છે. કેટલીક સામગ્રીના ભાવમાં 5 ટકા જેટલો વધારો થયો છે,
જ્યારે કેટલીક કાચી સામગ્રીના ભાવ લગભગ 100 ટકા સુધી વધી ગયા છે. આ વધારો માત્ર યુદ્ધને કારણે જ નહીં પરંતુ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ચલણના બજારમાં થતા ફેરફારોને કારણે પણ થયો છે. ખાસ કરીને અમેરિકી ડોલરની મજબૂતીને કારણે ઈમ્પોર્ટ ખર્ચમાં વધારો થયો છે. ફાર્મા ઉદ્યોગમાં કાચા માલની ખરીદી મોટા ભાગે ડોલરમાં થતી હોવાથી ડોલર મજબૂત બનતા ભારતીય કંપનીઓ માટે ઈમ્પોર્ટ વધુ મોંઘી બની રહી છે.
દરિયાઈ માર્ગોમાં વિક્ષેપ
યુદ્ધના કારણે કેટલાક મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગો જોખમી બન્યા છે. પરિણામે જહાજો અને કન્ટેનરો સમયસર બંદરો સુધી પહોંચી શકતા નથી. આ વિક્ષેપને કારણે પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ આશરે 20 થી 25 ટકા સુધીનો વધારો થયો હોવાનું ઉદ્યોગના સ્ત્રોતો જણાવે છે. ભારત દવા બનાવવા માટે જરૂરી API અને ઇન્ટરમીડિયેટ્સનો મોટો હિસ્સો વિદેશમાંથી મંગાવે છે. તેમાં પણ લગભગ 65 થી 70 ટકા કાચો માલ ચીનમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. પરંતુ વૈશ્વિક પરિવહન વ્યવસ્થામાં વિક્ષેપ સર્જાતા આ સપ્લાય ચેઇન ખોરવાઈ રહી છે, જેના કારણે દવા ઉત્પાદક કંપનીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
દવાઓની અછતનું જોખમ
ફાર્મા ઉદ્યોગના આગેવાનોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં ચાલતું યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારત સહિત અનેક દેશોમાં દવાઓની અછત સર્જાઈ શકે છે. ખાસ કરીને જીવનરક્ષક દવાઓના ઉત્પાદન પર તેની અસર થઈ શકે છે.


Leave a Comment