સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ હુમલાના કારણે વૈશ્વિક તણાવ ફરી વધ્યો છે અને તેના કારણે શેરબજારમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. કિંમતી ધાતુઓ પર તેના પ્રભાવની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં સોનું અને ચાંદી ઝડપથી મોંઘા થયા હતા.
અચાનક સોનાના ભાવમાં ઘટાડો
મંગળવારે અચાનક સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. તેના અગાઉના બંધ ભાવની સરખામણીમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1300 થી વધુ સસ્તું થયું છે. બીજી તરફ, ચાંદી તેજી સાથે ખુલ્યા પછી થોડા જ સમયમાં રૂ. 2100થી વધુ તૂટી ગઈ છે. તાજા ઘટાડા પછી હવે ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી રૂ. 1.56 લાખથી વધુ સસ્તી મળી રહી છે.
બજાર ખુલતાં જ સોનાનો દર તૂટી ગયો
ટ્રમ્પ ટેરિફ મુદ્દે વધેલા વૈશ્વિક તણાવને કારણે છેલ્લા દિવસોમાં સોના-ચાંદીના ભાવ ઝડપથી વધી રહ્યા હતા, પરંતુ મંગળવારે MCX પર 2 એપ્રિલની એક્સપાયરીવાળા સોનાનો ભાવ તેના અગાઉના બંધ રૂ. 1,61,598 ની સરખામણીમાં ઘટીને રૂ. 1,60,295 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. એટલે કે 24 કેરેટ 10 ગ્રામ સોનું રૂ. 1,303 સસ્તુ થયું.
હાઈ લેવલથી સોનું હવે કેટલું સસ્તુ?
મંગળવારના ઘટાડા પછી જો સર્વોચ્ચ સ્તરથી અત્યાર સુધીના ઘટાડાની વાત કરીએ તો 29 જાન્યુઆરીએ સોનાના ભાવ રૉકેટની ગતિએ વધીને રૂ. 1,93,096 પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યા હતા. આ સ્તર સ્પર્શ્યા બાદ તેમાં ઝડપી ઘટાડો થયો. હાલ સોનું તેના હાઈ લેવલથી નોંધપાત્ર રીતે નીચે છે. અત્યાર સુધી તેમાં કુલ રૂ. 32,801નો ઘટાડો આવી ચૂક્યો છે.
ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો
માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો. MCX પર 5 માર્ચની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ તેના અગાઉના બંધ રૂ 2,65,333 પ્રતિ કિલોથી ઘટીને ખુલતાં જ રૂ. 2,63,183 પર આવી ગયો. એટલે કે 1 કિલો ચાંદીનો ભાવ અચાનક રૂ. 2,150 જેટલો ઘટી ગયો.


Leave a Comment