Gold Silver price today : ધનતેરસમાં પહેલા જાણી લો સોનાં અને ચાંદીના ભાવ, તહેવાર સમયે ભાવમાં જોવા મળી ભારે તેજી

ધનતેરસ અને દિવાળીનો તહેવાર નજીક છે એવા સમયે દેશભરમાં સોના-ચાંદીની માંગ વધી રહી છે. આજ કારણે કિંમતોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત સોનાનો દર 1.3 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે, જ્યારે ચાંદીના ભાવમાં માત્ર એક જ દિવસમાં 6,000 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે.
- સોનાના ભાવમાં કેટલો વધારો?
આંકડાઓ મુજબ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,33,952 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું છે. જ્યારે 22 કેરેટ સોનું પણ એટલા જ વધારા સાથે 1,22,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે.
- ચાંદીના ભાવમાં પણ થયો વધારો
સોનાની સાથે સાથે ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. મંગળવારે ચાંદીનો ભાવ 6,000 રૂપિયાના મોટા ઉછાળા સાથે 1,85,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો, જે અત્યાર સુધીનો સૌથી વધારે દર છે. આ સતત પાંચમો દિવસ છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે તહેવારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકો ચાંદીની ખરીદીમાં રસ લઈ રહ્યા છે.
- તેજી પાછળનું મુખ્ય કારણ
વિશ્લેષકોનું માનવું છે કે આ તેજી પાછળનું મુખ્ય કારણ તહેવારો અને લગ્નસિઝન છે. ઉપરાંત, રૂપિયો ડોલર સામે 12 પૈસાના ઘટાડા સાથે 88.80ની સપાટીએ પહોંચી ગયો છે, જે સોનાં અને ચાંદીની આયાતને મોંઘું બનાવે છે અને પરિણામે સ્થાનિક ભાવો વધે છે.
- આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કિંમતોમાં વધારો
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. સોનું 0.72% વધીને 4,140.34 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીની વાત કરીએ તો, તે એક સમયે 53.54 ડોલર પ્રતિ ઔંસના ઐતિહાસિક સ્તરે પહોંચી હતી, જોકે બાદમાં તે આંકડો ઘટીને 51.36 ડોલર પ્રતિ ઔંસનો દર નોંધાયો.