વૈશ્વિક સ્તરે ટ્રમ્પના ટેરિફ હુમલા, અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ અને વેપાર અનિશ્ચિતતા હોવા છતાં, ભારતીય અર્થવ્યવસ્થા સતત મજબૂતી દર્શાવી રહી છે. એક જ દિવસે ભારત માટે વિદેશથી બે મોટા સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં વર્લ્ડ બેંક અને Deloitte બંનેએ ભારતના આર્થિક ગ્રોથ અંગે સકારાત્મક અંદાજ રજૂ કર્યો છે.
વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ 2026 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ વધારીને 7.2% કર્યો છે, જે અગાઉ 6.3% હતો. રિપોર્ટ અનુસાર, મજબૂત ઘરેલુ માંગ, વધતી ગ્રામ્ય આવક અને સરકાર દ્વારા લેવામાં આવેલા ટેક્સ રિલીફ પગલાંઓના કારણે અમેરિકન ટેરિફની અસર ભારત પર નગણ્ય રહેશે.
આ સાથે જ Deloitteએ પણ ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એજન્સી મુજબ, FY26માં ભારતનો ગ્રોથ રેટ 7.5%થી 7.8% વચ્ચે રહી શકે છે. સર્વિસ સેક્ટરમાં તેજી, તહેવારોની માંગ અને ઘરેલુ સુધારાઓના કારણે વૈશ્વિક પડકારો છતાં ભારતની આર્થિક ગતિ અટકવાની નથી.
Deloitteની રિપોર્ટમાં જણાવાયું છે કે, વૈશ્વિક વેપાર તણાવ, મૂડી પ્રવાહોમાં અસ્થિરતા અને વિકસિત દેશોમાં નીતિગત ફેરફારો હોવા છતાં FY26ની પ્રથમ અર્ધવાર્ષિકમાં ભારત લગભગ 8% નોમિનલ GDP વૃદ્ધિ નોંધાવી શકે છે.
રિપોર્ટમાં વધુમાં ઉમેરાયું છે કે, ભારતે બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને ઓમાન સાથે કરેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ દ્વારા નિકાસ બજારોમાં વૈવિધ્યતા લાવી છે. સાથે જ ઇઝરાયલ સાથે વેપાર અને રોકાણ સંબંધોને વિસ્તૃત કરવા માટે ચર્ચા ચાલી રહી છે, જે લાંબા ગાળે ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.


Leave a Comment