Google Payએ ભારતમાંથી પોતાની ક્રેડિટ કાર્ડ યાત્રાની શરૂઆત કરી છે. ગૂગલે Axis Bankના સહયોગથી RuPay નેટવર્ક પર પોતાનું પહેલું ગ્લોબલ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. ખાસ વાત એ છે કે આ કાર્ડને UPI સાથે લિંક કરી શકાય છે, જેથી ગ્રાહકો સીધા દુકાનો અને વેપારીઓને સરળતાથી ચુકવણી કરી શકે.
આ કાર્ડની સૌથી મોટી ખાસિયત ઇન્સ્ટન્ટ કેશબેક અને રિવોર્ડ્સ સિસ્ટમ છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ્સમાં મહિનાના અંતે રિવોર્ડ મળે છે, જ્યારે Google Pay કાર્ડમાં દરેક ટ્રાન્ઝેક્શન પર તરત જ રિવોર્ડ્સ મળે છે. આ રિવોર્ડ્સને આગામી ખરીદીમાં તરત રિડીમ કરી શકાય છે.
Googleના સિનિયર ડિરેક્ટર શરથ બુલુસુના જણાવ્યા અનુસાર, કંપનીએ રિવોર્ડ રિડીમ્પશન પ્રક્રિયાને વધુ સરળ અને યુઝર-ફ્રેન્ડલી બનાવવા પર ખાસ ધ્યાન આપ્યું છે.
ભારતમાં UPI અને ક્રેડિટ કાર્ડના સંયુક્ત ઉપયોગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. PhonePe, Paytm, SBI Card અને HDFC જેવા પ્લેયર્સ પહેલાથી જ આ ક્ષેત્રમાં સક્રિય છે. Mastercard અને Visa કાર્ડ્સ UPI સાથે લિંક ન થઈ શકતા હોવાના કારણે RuPay આધારિત કાર્ડ્સને વધુ મહત્વ મળી રહ્યું છે.
આ ઉપરાંત, Google Pay ક્રેડિટ કાર્ડમાં EMI સુવિધા પણ આપવામાં આવી છે. ગ્રાહકો તેમના ખર્ચને 6 અથવા 9 મહિનાના સરળ હપ્તામાં ચૂકવી શકે છે. હાલમાં ભારતમાં ફક્ત અંદાજે 20% લોકો પાસે જ ક્રેડિટની ઍક્સેસ છે, ત્યારે Google Payનું આ પગલું દેશના ક્રેડિટ માર્કેટમાં મોટો ફેરફાર લાવી શકે છે.


Leave a Comment