ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષા સમયપત્રકની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાતથી સ્પષ્ટતા આવી છે.
GPSC દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, ક્લાસ-1 અને ક્લાસ-2ના કુલ 18 જેટલા વિવિધ સંવર્ગોની પ્રાથમિક પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. આ પરીક્ષાઓમાં વહીવટી, ટેકનિકલ, શિક્ષણ તેમજ વિશેષ સેવાઓનો સમાવેશ થાય છે.
વહીવટી સેવાઓ અંતર્ગત રહસ્ય સચિવ (ક્લાસ-2) અને મદદનીશ વહીવટી અધિકારી (ક્લાસ-2) જેવી મહત્વપૂર્ણ પોસ્ટ માટે પરીક્ષાઓ યોજાશે, જેને લઈને ઉમેદવારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપરાંત, MIS મેનેજર, પશુચિકિત્સા અધિકારી, મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી જેવી ટેકનિકલ અને વિશેષ સેવાઓની જગ્યાઓ પણ સામેલ છે.
શિક્ષણ અને માહિતી સેવા ક્ષેત્રે ગુજરાત શિક્ષણ સેવા, નિયામક ગ્રંથપાલ, નાયબ માહિતી નિયામક અને મદદનીશ ઉદ્યોગ કમિશનર જેવી પોસ્ટ માટે પણ પ્રાથમિક પરીક્ષાઓ લેવામાં આવશે. સાથે જ ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા અને સામાન્ય રાજ્ય સેવા હેઠળની ભરતી પણ આ સમયગાળા દરમિયાન યોજાશે.
GPSC દ્વારા ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે પરીક્ષા કેન્દ્ર, સમય અને અન્ય વિગતો માટે આયોગની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત નજર રાખે. આ ઉપરાંત, વર્ષ 2026નું સંપૂર્ણ ભરતી કેલેન્ડર જાન્યુઆરીના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે, તેવી માહિતી GPSCના ચેરમેન દ્વારા આપવામાં આવી છે.


Leave a Comment