Grok AI Controversy: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્યાં એક તરફ વિકાસ અને સુવિધાઓ લાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ તેનો ખતરનાક દુરુપયોગ પણ સામે આવી રહ્યો છે. એલોન મસ્કના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર Grok AIને લઈને એક ગંભીર વિવાદ ઉભો થયો છે.
તાજેતરમાં X પર એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે જેમાં કેટલાક લોકો Grok AIનો ઉપયોગ કરીને મહિલાઓના વાંધાજનક અને અશ્લીલ નકલી ફોટોઝ બનાવી રહ્યા છે. આ માત્ર નૈતિક રીતે ખોટું નથી, પરંતુ મહિલાઓની પ્રાઈવસી અને ગૌરવ પર સીધો હુમલો છે.
રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની ચિંતા
આ મામલે રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે નકલી એકાઉન્ટ્સ બનાવીને મહિલાઓના ફોટોઝ Grok AIને પ્રોમ્પ્ટ આપી બદલી નાખવામાં આવી રહ્યા છે, જેથી કપડાં ઓછા દેખાય અથવા અપમાનજનક કન્ટેન્ટ તૈયાર થાય.
‘આ AIનો ખતરનાક દુરુપયોગ છે’
પત્રમાં પ્રિયંકા ચતુર્વેદીએ સ્પષ્ટ કહ્યું કે આ પ્રવૃત્તિ મહિલાઓની પ્રાઈવસીનું ગંભીર ઉલ્લંઘન છે. તેમણે ઉમેર્યું કે હવે માત્ર સેલિબ્રિટીઓ નહીં, પરંતુ સામાન્ય મહિલાઓ પણ આ AI દુરુપયોગનો શિકાર બની રહી છે.
X સામે કડક કાર્યવાહી કરવાની માંગ
પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સામે કડક કાર્યવાહી કરવા અને AI ટૂલ્સમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે ભારત AIના ફાયદાઓનું સ્વાગત કરે છે, પરંતુ મહિલાઓને નિશાન બનાવતું અપમાનજનક કન્ટેન્ટ સહન કરવામાં નહીં આવે.


Leave a Comment