Junagadh Mining Mafia News: જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં ખનીજ માફિયાના ત્રાસથી એક યુવાને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશ ફેલાયો છે. ગામના 30 વર્ષીય ભાવસિંહ ઉર્ફે મયુર અમુભાઈ ધાનાએ ગેરકાયદેસર ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવ્યો હતો, જેના પરિણામે તેને સતત માનસિક ત્રાસ અને જીવથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાલવાણી અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદે ખનીજ ચોરી ચાલી રહી હતી. આ ગેરરીતિ સામે ભાવસિંહે સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ખનીજ ચોરીમાં સંડોવાયેલા માફિયાઓએ તેને વારંવાર ધમકીઓ આપીને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું.
પરિવારજનોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી ભાવસિંહ ખૂબ જ ભયભીત અને માનસિક દબાણ હેઠળ હતો. તે પોતાના જીવને જોખમ હોવાનું વારંવાર પરિવારને જણાવતો હતો. સતત મળતા ત્રાસ અને ધમકીઓથી અંતે તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
ઘટનાની જાણ થતાં જ ગામમાં ભારે શોક સાથે રોષનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે મૃતક યુવાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે પોતાની સાથે થતી ધમકીઓ અને માનસિક ત્રાસ અંગે વાત કરી હોવાનું કહેવાય છે.
માહિતી મળતાં કેશોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ખનીજ ચોરી, ધમકી અને આપઘાત માટે પ્રેરણા આપવાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.


Leave a Comment