Gujarat News: વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી બનાવ્યા ગણેશજી! વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી!

ધોળકા વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યા સંકુલ, ખારાકુવા ખાતે ગણેશચતુર્થી નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય વૃંદાબેન જોશી અને તેમના શિક્ષકોની ટીમે ધોરણ 1 થી 4ના બાળકોને સાથે રાખીને એક અનોખું આયોજન કર્યું હતું.
બાળકોએ માનવ સાંકળ દ્વારા ગણેશજીની અદ્ભુત પ્રતિમા બનાવી
આ ઉજવણીમાં, બાળકો એવી રીતે ગોઠવાયા હતા કે ઉપરથી જોતા તે ગણેશજીની વિશાળ પ્રતિમા જેવું દ્રશ્ય દેખાય. બાળકોએ આ ગોઠવણીમાં રહીને ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના અને ભજન ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ અનોખા દ્રશ્યથી ગણેશજીની પ્રતિમા જીવંત બની હોય તેવો અનુભવ થયો.
બાળકોમાં ધાર્મિક ભાવનાની સાથે-સાથે સર્જનાત્મકતાનો પણ વિકાસ
આ અનોખા આયોજન બદલ વિદ્યા પ્રચાર મંડળના પ્રમુખ અરુણભાઈ ઓઝા, મંત્રી પ્રભુદાસભાઈ પટેલ અને કોષાધ્યક્ષ માર્ગેશભાઈ મોદી સહિત તમામ ટ્રસ્ટીઓએ આચાર્ય વૃંદાબેન જોશી, શિક્ષકોની ટીમ અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પહેલથી બાળકોમાં ધાર્મિક ભાવનાની સાથે-સાથે સર્જનાત્મકતાનો પણ વિકાસ થયો હતો.