ગુજરાતમાં તમાકુના વપરાશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપી વધારો નોંધાયો છે. લોકસભામાં રજૂ થયેલા તાજા રિપોર્ટ અનુસાર રાજ્યમાં એક કરોડથી વધુ લોકો ગુટખા, બીડી, સિગારેટ કે અન્ય સ્વરૂપે તમાકુના નશામાં ફસાયેલા છે. નિષ્ણાતોનું માનવું છે કે વધતા તમાકુ સેવન અને કેન્સરના વધતા કેસો વચ્ચે સીધો સંબંધ છે.
કિશોરો અને યુવાનોમાં તમાકુ પ્રત્યેનો ઝોક સૌથી વધુ ચિંતાજનક છે. શાળાઓ અને કોલેજોની આસપાસ સરળતાથી મળતા તમાકુ ઉત્પાદનો તેમને વધુ આકર્ષિત કરે છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ રાજ્યમાં 25.1 ટકા લોકો હાલ કોઈને કોઈ સ્વરૂપે તમાકુનો ઉપયોગ કરે છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.
ગુજરાતમાં 19.1 ટકા લોકો ધૂમ્રપાન રહિત તમાકુ—જેમ કે ગુટખા અને મસાલા—પર નિર્ભર છે, જ્યારે શહેરોમાં સિગારેટનો ઉપયોગ અને ગામડાઓમાં બીડીનું પ્રભાવ વધુ છે. મોટાં શહેરોમાં યુવાઓમાં હુક્કા અને સિગારનો વધતો ટ્રેન્ડ પણ ચિંતા વધારી રહ્યો છે.
સ્વાસ્થ્ય ક્ષેત્રે તેના ગંભીર પરિણામો જોવા મળે છે. તમાકુ સેવન મોઢા, ગળા, શ્વાસનળી તેમજ કિડની કેન્સરના જોખમને અનેક ગણો વધારે છે. રાજ્યના કેન્સર હોસ્પિટલો પર વધેલો બોજ આ વાસ્તવિકતા દર્શાવે છે.
સરકાર દ્વારા ધૂમ્રપાન પ્રતિબંધ, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ વેચાણ નિયંત્રણ અને પેકેજિંગ ચેતવણી જેવા પગલા લીધા છતાં, અમલમાં ઢીલાશ અને સસ્તા ઉત્પાદનોની સરળ ઉપલબ્ધતા મુદ્દાને વધુ જટિલ બનાવે છે.
નિષ્ણાતો સૂચવે છે કે કાયદાકીય પગલાં પૂરતા નથી શાળા સ્તરથી આરોગ્ય શિક્ષણ, પરિવારજનોમાં જાગૃતિ અને વ્યસન છોડાવવા સરળ અને સસ્તી કાઉન્સેલિંગ સેવાઓની તાત્કાલિક જરૂર છે, નહીંતર આવનારા વર્ષોમાં કેન્સરના કેસોમાં વધુ વધારો જોવા મળી શકે છે.


Leave a Comment