મારું ગુજરાત

ગુજરાતની સૌથી મોટી સાઈબર ઠગાઈ, 78 વર્ષની મહિલા ડોક્ટરને 3 મહિના ડિજિટલ એરેસ્ટ કરી 19 કરોડ ખંખેર્યા

ગાંધીનગરના વૃદ્ધ વિધવા મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 19.14 કરોડની ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી વસૂલવામાં આવી છે. કમ્બોડિયાની ગેંગ દ્વારા મહિલા તબીબને સતત ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સતત પીછો કરવામાં આવતો હતો.

ગાંધીનગરની વૃદ્ધાને ‘તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામા આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે વાંધાજનક હોવાથી ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ કરવામાં આવશે’ કહી પોલીસ અને વકીલ તરીકે ખોટી ઓળખ આપી ધમકી અપાઈ હતી.

વૃદ્ધ મહિલા તબીબ એ હદે કમ્બોડિયાની આ ચીટર ગેંગની વાતોથી ડરી ગઈ કે, પોતાની પાસેથી રોકડ આપ્યા પછી દાગીના વેચ્યા, એફ.ડી. તોડી, શેર વેચી અને લોન લઈને પણ આ ટોળકીના કુલ 35 બેન્ક ખાતાંઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

5 ટકા કમિશન માટે બેન્ક એકાઉન્ટ ભાડેથી આપ્યું

સ્ટેટ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 16 જુલાઈએ ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરી એક કરોડની રકમ સુરતના વલથાણમાં રહેતા લાલજી બલદાણીયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાથી તેની ધરપકડ કરાઈ છે.

રત્ન કલાકાર લાલજીએ 5 ટકા કમિશન માટે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના સાગરિતોને તેનું બેન્ક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું.

જેમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહાર થયા હતા. ગુજરાતમાં 19 કરોડની રકમ પડાવાયાનો સૌથી મોટો અને લાંબો સમય ડિજિટલ એરેસ્ટનો દેશનો પ્રથમ કેસ નોંધાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button