Halol Heavy Rain : પંચમહાલમાં આભ ફાટ્યું! 4 કલાકમાં 8.4 ઈંચ વરસાદ, હાલોલમાં રસ્તા બન્યા નદી!

રાજ્યમાં આજે વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં અતિભારે વરસાદ પડ્યો છે. ચાર કલાકમાં 8.4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. હાલોલ શહેર સહિત તાલુકામાં અનેક સ્થળે પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
4 કલાકમાં 8.4 ઇંચ વરસાદ ખાબક્યો
પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘાવી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. હાલોલમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ ધોધમાર 8.4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 6.7 ઇંચ જ્યારે 8 થી 10 વાગ્યા સુધીમાં 1.7 ઇંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
પાણી ભરાતા જનજીવન પ્રભાવિત
હાલોલના નિચાણાવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.