Hardik Pandya :ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પંડ્યા 1000થી વધુ રન અને 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. તેણે 1939 રન અને 100 વિકેટ સાથે આ અનોખો માઇલસ્ટોન પોતાના નામે નોંધાવ્યો છે.
આ સિદ્ધિ સાથે હાર્દિક પંડ્યાનો સમાવેશ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પસંદગીના ઓલરાઉન્ડર ક્લબમાં થયો છે, જેમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસન, અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝા જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. આ યાદીમાં પ્રવેશ કરનાર હાર્દિક પંડ્યા પ્રથમ ભારતીય છે.
પંડ્યાની આ સિદ્ધિ ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ લિસ્ટમાં મોટા ભાગના ખેલાડીઓ સ્પિન ઓલરાઉન્ડર છે, જ્યારે હાર્દિક પંડ્યા ટી-20 ઇન્ટરનેશનલ ઇતિહાસનો પહેલો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર બન્યો છે, જેણે 1000+ રન અને 100 વિકેટનો આંકડો પાર કર્યો છે.
બોલિંગના દ્રષ્ટિકોણે પણ હાર્દિક પંડ્યાએ એક મોટું માઇલસ્ટોન હાંસલ કર્યું છે. તે ટી-20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે. તેની પહેલાં માત્ર જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે આ સિદ્ધિ મેળવી હતી.
હાર્દિક પંડ્યાએ ટી-20 ફોર્મેટમાં ઓલરાઉન્ડરની ભૂમિકાનું મહત્ત્વ વધુ મજબૂત બનાવ્યું છે. બેટિંગ અને બોલિંગ બંનેમાં તેનું યોગદાન ટીમ ઇન્ડિયા માટે અત્યંત નિર્ણાયક સાબિત થયું છે. આવનારા આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં પંડ્યાની આ ઓલરાઉન્ડ ક્ષમતા ભારત માટે મોટી સફળતાની ચાવી બની શકે છે.


Leave a Comment