ગુજરાતભરમાં લોકો મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે સુરતમાં એક પરિવાર માટે આ દિવસ કાળમુખો સાબિત થયો. શહેરમાં પતંગની દોરીને કારણે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 35 વર્ષીય પિતા અને તેમની 7 વર્ષની માસૂમ પુત્રીનું 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી પટકાતા કરુણ મોત નીપજ્યું છે, જ્યારે માતાનો ચમત્કારિક રીતે જીવ બચી ગયો છે.
આ અકસ્માત સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર (જીલાની બ્રિજ) પર સાંજે 5 થી 6 વાગ્યાના અરસામાં થયો હતો. રેહાન નામનો યુવક પોતાની પત્ની રેહાના અને દીકરી આયેશા સાથે બાઈક પર સુભાષ ગાર્ડન તરફ જઈ રહ્યો હતો. બ્રિજ પર અચાનક પતંગની દોરી રેહાનના શરીર પર આવી જતાં, દોરી હટાવવાના પ્રયાસમાં તેમનું સંતુલન બગડ્યું હતું.
બાઈક ડિવાઇડર સાથે અથડાતા ત્રણેય જણ ઉછળીને બ્રિજની સુરક્ષા દીવાલ પાર કરી 70 ફૂટ નીચે રોડ પર પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા રેહાન અને દીકરી આયેશાનું ઘટનાસ્થળે જ મોત થયું. રેહાનની પત્ની નીચે ઊભેલી એક ઓટો-રિક્ષા પર પડતા તેમનો જીવ બચી ગયો, જોકે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટના સિવાય પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઉત્તરાયણ દરમિયાન પતંગ સંબંધિત અકસ્માતોમાં કુલ 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ગળા કપાવાની ઘટનાઓથી લઈને બાળકોના પડી જવાના કેસો સુધી, તહેવાર અનેક પરિવારો માટે શોકમાં ફેરવાયો છે.
ઘટનાની જાણ થતાં સુરત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાએ ફરી એકવાર ફ્લાયઓવર પર પતંગની દોરીથી સુરક્ષા વ્યવસ્થા અને જનજાગૃતિની ગંભીર જરૂરિયાત પર પ્રશ્નો ઊભા કર્યા છે.


Leave a Comment