નોકરિયાત વર્ગ માટે ઘરભાડા ભથ્થા (HRA) ક્લેઈમ અંગે કડક નિયમો અમલમાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા આવકવેરા ધારા 2025ના અનુસંધાનમાં તૈયાર કરાયેલા નવા નિયમો મુજબ, ભાડા ખર્ચ અંગે ખોટી અથવા અધૂરી માહિતી આપનારને ટેક્સની રકમ ઉપરાંત 200 ટકા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
નવા નિયમો શું કહે છે?
નવા ડ્રાફ્ટ નિયમો હેઠળ જો કોઈ કર્મચારી નાણાકીય વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવે, તો તેને ફોર્મ 12BAમાં નીચેની વિગતો ફરજિયાત જાહેર કરવી પડશે:
– લેન્ડલોર્ડ (મકાન માલિક) સાથેનો સંબંધ
– લેન્ડલોર્ડનું નામ અને સરનામું
– PAN નંબર
જો ભાડું ક્લેઈમ કરતી વખતે મકાન માલિક સાથેનો સંબંધ જાહેર કરવામાં નહીં આવે, તો તેને મહત્વપૂર્ણ માહિતી છુપાવવાનો પ્રયાસ માનવામાં આવશે.
200% દંડ કેવી રીતે લાગશે?
આવકવેરા ધારા 2025ની કલમ 439 મુજબ, ખોટો HRA ક્લેઈમ અથવા ઈરાદાપૂર્વક માહિતી છુપાવવી કરચોરીનો પ્રયાસ ગણાશે. આવી સ્થિતિમાં:
– જે ટેક્સ ભરવો બાકી રહેશે
– તે ટેક્સની રકમ પર 200% સુધી દંડ વસૂલ થઈ શકે
ઉદાહરણ તરીકે, જો ખોટા HRA ક્લેઈમથી 50,000 રૂપિયાનો ટેક્સ બાકી થાય, તો તેના પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.
બોગસ રસીદો પર રોક
તાજેતરમાં પત્ની, માતા-પિતા અથવા સગા-સંબંધીઓને મકાન માલિક તરીકે બતાવી બોગસ ભાડાની રસીદો બનાવી ટેક્સ લાભ મેળવવાના કિસ્સાઓ વધી રહ્યા હતા. નવા નિયમો હેઠળ આવા ક્લેઈમ્સની વિગતવાર તપાસ થશે. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે માતા-પિતા અથવા જીવનસાથીને ભાડું ચૂકવવું ગેરકાયદેસર નથી, પરંતુ:
– વાસ્તવિક ભાડા કરાર હોવો જોઈએ
– રકમ બેન્કિંગ ચેનલ (ચેક/ટ્રાન્સફર)થી ચૂકવવી યોગ્ય
– તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરવી જરૂરી
માહિતી ન આપશો તો શું થશે?
ભાડા ક્લેઈમ વખતે સંબંધ જાહેર ન કરવો કે ખોટી માહિતી આપવી ગંભીર ઉલ્લંઘન ગણાશે. તેને ઈરાદાપૂર્વક કરચોરીનો પ્રયાસ માની દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. નવા નિયમોનો હેતુ HRA ક્લેઈમમાં પારદર્શિતા લાવવાનો અને બોગસ દાવાઓ પર રોક લગાવવાનો છે. નોકરિયાતોએ હવે HRA ક્લેઈમ કરતી વખતે તમામ માહિતી સાચી અને પૂર્ણ આપવી અનિવાર્ય બની રહેશે.


Leave a Comment