મારું ગુજરાત

North Gujaratમાં ભારે વરસાદથી ઊભો પાક પાણીમાં ડૂબી ગયો, સરકાર પાસે આર્થિક સહાયની માગ

ગુજરાત અમુક જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળતા ચારેકોર પાણી પાણી કરી દીધું છે. બનાસકાંઠાના સૂઈગામમાં બે દિવસમાં 17 ઈંચથી વધુ ખાબકેલા વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. એટલું જ નહીં ખેડૂતોના ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે.

બાદરપુરા ગામમાં ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા

રાધનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. ખાસ કરીને રાધનપુરના બાદરપુરા ગામમાં ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઊભા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ મહેનતથી ઉગાડેલા એરંડા, અડદ, કપાસ અને મગ જેવા પાકોને નુકસાન થયું છે. મોંઘા બિયારણનું વાવેતર કર્યા બાદ વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાય આપવાની માગ કરી છે.

સાંતલપુરમાં SDRF દ્વારા ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ કરાયું

બીજી તરફ, સાંતલપુરના પાર ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગામમાં પાણી ભરાઈ જતાં છ લોકો ફસાયા હતા. તેમને બચાવવા માટે ગત રાત્રે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ પહોંચી હતી, પરંતુ અંધારા અને વરસાદને કારણે રેસ્ક્યુ ઓપરેશન સફળ થઈ શક્યું ન હતું. આજે સવારે પરિસ્થિતિ સુધરતા SDRFની ટીમે ફરીથી બચાવ કામગીરી શરૂ કરી હતી. સતત પ્રયાસો બાદ, ફસાયેલા છ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સાંતલપુર-રાધનપુર તાલુકામાં 50 હજાર હેક્ટરમાં નુકસાનીનો અંદાજ

ખેતીવાડી અધિકારીએ જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર વરસાદની પરિસ્થિતિને પગલે અમે પણ ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. સાંતલપુર અને રાધનપુર તાલુકામાં અદાજિત 50 હજાર હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાની થઈ શકે છે. સાંતલપુર, મટુંત્રા, બાબરા, કિલાણા, ઝઝામ, વર્ણોસરી સહિતના મોટાભાગના ગામોમાં કપાસ,એરંડા સહિતના પાકનો નાશ થયો છે.

રાજ્યમાં સિઝનનો 107 ટકા વરસાદ વરસ્યો

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસા પૂર્વે 105 ટકા વરસાદનું પૂર્વાનુમાન કરાયું હતું. આ વર્ષે એનાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને હજી આગામી દિવસોમાં વધારો નોંધાઈ શકે છે. રાજ્યમાં હાલ સૌરાષ્ટ્રને બાદ કરતાં તમામ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button