હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના અર્કી બજારમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. આ દુર્ઘટનામાં નેપાળી મૂળના એક પરિવાર પર કહેર તૂટી પડ્યો છે, જેમાં 7 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 8થી 9 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આગ રાત્રે લગભગ 2થી 3 વાગ્યાની વચ્ચે લાગી હતી. શંકા છે કે, પરિવાર દ્વારા સળગતો ચૂલો ઘરની અંદર લઈ જવામાં આવ્યો, જેના કારણે ચિંગારીઓ ફેલાઈ અને ઘરમાં રાખેલા 6થી 7 ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો. સિલિન્ડર ફાટતાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસના મકાનોને પણ ઝપેટમાં લઈ લીધા.
ઘટનાની જાણ થતાં જ પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડ સતત પ્રયાસ કરી રહી છે, જ્યારે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.
અગ્નિકાંડ બાદ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કાટમાળ હટાવીને દટાયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ સમગ્ર હિમાચલમાં શોકની લાગણી ફેલાવી છે.


Leave a Comment