મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે બુલિયન માર્કેટમાં રોકાણકારો માટે ખરેખર ‘સોનાનો દિવસ’ સાબિત થયો. સોનું અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં જંગી ખરીદી જોવા મળતા ભાવોએ સર્વકાલીન ઊંચી સપાટી સ્પર્શી છે. વૈશ્વિક અનિશ્ચિતતા, સુરક્ષિત રોકાણ તરફ વધતી ઝોક અને મજબૂત ફંડ ઇન્ફ્લોના કારણે બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે.
ચાંદી ₹2,65,390 પ્રતિ કિલોગ્રામની ઐતિહાસિક ઊંચાઈએ
MCX પર 05 માર્ચ, 2026 વાયદાની ચાંદી અગાઉના સત્રમાં ₹2,52,725 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. સોમવારે બજાર ખુલતાં જ ₹10,109નો ગેપ-અપ નોંધાયો અને ભાવ ₹2,62,834 પર ખુલ્યો. સતત ખરીદીના દબાણ વચ્ચે ચાંદી દિવસ દરમિયાન ₹2,65,390 પ્રતિ કિલોગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી. રિપોર્ટ લખાતી વેળાએ ચાંદીમાં આશરે 4.79 ટકાની તેજી સાથે ₹2,64,705 પર ટ્રેડિંગ જોવા મળ્યું.
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે ઉદ્યોગિક માંગ, સોનાની સરખામણીએ અન્ડરવેલ્યુએશન અને સટ્ટાકીય ખરીદીએ ચાંદીની તેજીને વધુ બળ આપ્યું છે.
સોનામાં પણ નવી ઐતિહાસિક ઊંચાઈ
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂત તેજી જોવા મળી. MCX પર 05 ફેબ્રુઆરી, 2026 વાયદાનું સોનું અગાઉ ₹1,38,819 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને સોમવારે ₹1,39,600 પર ખુલ્યું. ટ્રેડિંગ દરમિયાન સોનાએ ₹1,41,250 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટી બનાવી. અંતિમ સમય સુધી સોનું આશરે 1.73 ટકાની તેજી સાથે ₹1,41,222 પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ડોલરની નરમાઈ અને વૈશ્વિક અસ્થિરતાનો સપોર્ટ
બુલિયન વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક ભૂરાજકીય તણાવ, મોંઘવારીની ચિંતા અને સેન્ટ્રલ બેન્ક્સની નીતિઓને લઈને રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોનું-ચાંદી તરફ વળી રહ્યા છે. આ સાથે ડોલરમાં નરમાઈ અને વૈશ્વિક બજારોની અસ્થિરતા પણ કિંમતી ધાતુઓને મજબૂત સપોર્ટ આપી રહી છે.


Leave a Comment