હોળી પછી થાક અને થોડી સુસ્તી લાગવી સામાન્ય છે. રંગો, ગરમાગરમ સ્વીટસ અને તળેલી વસ્તુઓ ખાવાથી શરીર પર ભાર પડી શકે છે અને પાચનતંત્ર પર અસર થઈ શકે છે. આ કારણે હોળી પછી શરીરને ડિટોક્સ કરવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કઈ રીતે હોળી બાદ શરીરને રીસેટ કરી શકાય?
પાણી અને હાઇડ્રેશન સૌથી જરૂરી છે
ડિટોક્સ માટે સૌથી મહત્વપૂર્ણ છે પૂરતું પાણી પીવું. રંગોમાં રહેલા કેમિકલ્સ અને તળેલો ખોરાક શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછા ૩ લિટર પાણી પીવું જોઈએ. પાણીમાં કાકડી, ફુદીનાના પાન અને લીંબુના ટુકડાં નાખી પીવાનું વધુ ફાયદાકારક રહેશે. આ સાથે નારિયળનું પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બની રહે છે અને શરીર અંદરથી સ્વચ્છ થાય છે.
ખોરાકમાં ફેરફાર લાવો
હોળી બાદ 3-4 દિવસ માટે પાચનતંત્રને આરામ આપો. હળવો ખોરાક ખાઓ, જેમ કે મગ દાળની ખીચડી, દાળિયા અથવા સૂપ. આ પચાવવા સરળ છે. પાચનને સુધારવા માટે તાજા ફળો અને સલાડ ખાઓ. દહીં કે છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે આંતરડાને આરોગ્યપ્રદ રાખવામાં મદદ કરે છે.
હર્બલ ચા અને ઉકાળો
ચા કે કોફીને બદલે હર્બલ પીણાં પસંદ કરો. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ ચયાપચયને વેગ આપે છે. તે પાચનમાં પણ સુધારો કરે છે અને બળતરા ઘટાડે છે.
ત્વચા અને વાળ માટે ડિટોક્સ
અંદરથી સ્વચ્છતા જાળવવી મહત્વપૂર્ણ છે, પરંતુ બહારની સફાઈ પણ જરૂરી છે. જો ત્વચા પર રંગના નિશાન હજુ છે, તો જોરથી રગડ્યા વગર ઓલિવ ઓઇલ અથવા નારિયળ તેલથી સાફ કરો. તુલસી, દહીં અને હળદરથી બનાવેલો ફેસ પેક ત્વચાને અંદરથી સ્વચ્છ બનાવશે. વાળમાં નરમાશ માટે એલોવેરા જેલ અથવા દહીંનું માસ્ક લગાવો.
પરસેવો વહાવો
પરસેવો એ શરીરને ડિટોક્સિફાય કરવાનો શ્રેષ્ઠ કુદરતી રસ્તો છે. કપાલભાતિ અને અનુલોમ-વિલોમ જેવી પ્રાણાયામ કસરતો શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધારે છે. ભારે કસરતને બદલે, 20-30 મિનિટ માટે ઝડપી ચાલવા જાઓ.
ખાસ ધ્યાન રાખવાની બાબતો
- ખાંડ અને મેંદાવાળી વસ્તુઓ ટાળો.
- રોજ 7-8 કલાક પૂરતી ઊંઘ લો, કારણ કે ઊંઘ દરમિયાન શરીર પોતાને રીપેર કરે છે.
- દારૂ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો.
- આ સરળ અને નેચરલ ટિપ્સને અપનાવીને તમે હોળી પછીનો થાક, સુસ્તી અને પાચનની સમસ્યાઓથી ઝડપથી મુક્ત થઈ શકો છો.


Leave a Comment