Mehsanaમાં ભયાનક અકસ્માત, કારની ટક્કરથી બાઈક-સ્કૂટર પર જતાં 3 લોકોના મોત

મહેસાણા–વડનગર હાઈવે પર મઢાસણા ચોકડી નજીક એક કાર સાથે બાઇક અને સ્કૂટર અથડાતા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
કેવી રીતે બની ઘટના?
મળતી વિગતો અનુસાર, એક અજાણી કાર અતિ ઝડપે જતા બાઇક અને એક્ટિવા સાથે ધડાકાભેર ટકરાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બંને વાહન પર સવાર યુવકો હવામાં ઉછળીને પટકાયા હતા. ઘટનામાં બાઇકચાલક કિશનજીનું સ્થળ પર જ મૃત્યુ થયું, જ્યારે ગંભીર રીતે ઘાયલ નિલેશજી અને મહેશજીનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું. આ અકસ્માતમાં અન્ય બે યુવકોને પણ ગંભીર ઈજા પહોંચી છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ મૃતકોના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
પોલીસ કારચાલકની શોધમાં
સ્થાનિક લોકોએ અકસ્માત બાદ તરત જ પોલીસને જાણ કરી હતી. વડનગર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા. દુર્ઘટના સર્જનાર કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વડનગર પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે નજીકના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.



