હરણી મોટનાથ રોડ વિસ્તારમાં રહેતો એક સગીર મોડી રાત્રે ઘરેથી કાર લઈને બહાર નીકળ્યો હતો. કહેવાય છે કે તે આઈસ્ક્રીમ ખાવા માટે નીકળ્યો હતો. તે વી.આઈ.પી. રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અમિતનગર ચાર રસ્તા નજીક કાર પરનો તેનો કાબૂ અચાનક છૂટી ગયો હતો. પરિણામે કાર સીધી રસ્તા પર ચાલતા લોકો તરફ વળી ગઈ હતી.
સૌપ્રથમ કારની ટક્કર રસ્તા પરથી પસાર થઈ રહેલા દંપતી અને તેમના નાના બાળક સાથે થઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે તેઓને ઈજા પહોંચી હતી. ઘટના બાદ ગયેલા કિશોરે કાર અટકાવવાને બદલે ત્યાંથી ઝડપથી નીકળી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાગતી કાર થોડે અંતરે જ એક ટેમ્પા સાથે અથડાઈ ગઈ હતી.
અથડામણોમાં કુલ ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત
આ બાદ પણ કાર રોકાઈ ન હતી. આગળ વધતી કાર રસ્તા પર જઈ રહેલા ટુ-વ્હીલર સવાર માતા અને તેમના પુત્ર સાથે અથડાઈ ગઈ હતી. આ સતત થયેલી અથડામણોમાં કુલ ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,
જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. અકસ્માત બાદ કાર આગળ જઈને અટકી જતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાથી ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ કારમાંથી સગીરને બહાર કાઢી તેને માર માર્યો હતો. પરિસ્થિતિ બગડે તે પહેલાં જ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ
માહિતી મળતા જ પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ભીડમાંથી સગીરને બહાર કાઢી તેને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સગીર હોવાને કારણે કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે કાર સગીર સુધી કેવી રીતે પહોંચી અને તેને વાહન ચલાવવાની મંજૂરી કોણે આપી તે મુદ્દે તેના વાલીઓ સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


Leave a Comment