સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા–માલવણ હાઈવે પર ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હરીપર ગામ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક સ્વિફ્ટ કાર પલટી મારીને રોડની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર ચાર મિત્રોમાંથી બે યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ અકસ્માત રાત્રિના આશરે 1 વાગ્યાના સુમારે થયો હતો. ચારેય મિત્રો ધર્મડ ગામ નજીક આવેલી એક હોટલમાં રાત્રિ ભોજન પતાવીને પોતાની કારમાં ધ્રાંગધ્રા પરત ફરી રહ્યા હતા. હરીપર ગામ પાસે પહોંચતા જ ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, જેના કારણે કાર હવામાં ગોથાં ખાઈને રસ્તાની નીચે ખાડામાં ઉતરી ગઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના બાદ આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કમનસીબે, ક્રિપાલસિંહ ઝાલા અને બોનિલભાઈ દેસાઈ નામના બે યુવાનોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય બે મિત્રો, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને બળવંતસિંહ, જે બંને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેઓ ગંભીર ઈજાઓ સાથે હાલ સારવાર હેઠળ છે. બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ.બી. વીરજાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ અચાનક પશુ (જાનવર) આડું આવવું હોવાનું સામે આવ્યું છે. પશુને બચાવવાના પ્રયાસમાં ચાલકે નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ દુઃખદ ઘટનાથી મૃતકોના પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. સાથે જ, સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર રખડતા પશુઓના કારણે વધી રહેલા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Leave a Comment