અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ઘણી હોટલો અને ખાણીપીણીની લારીઓએ સ્પષ્ટ સૂચના લગાવી છે કે હાલમાં ભજિયા, સમોસા જેવી તળેલી વસ્તુઓ ઉપલબ્ધ નહીં રહે. તેના બદલે ખીરૂ અથવા ઓછી ગેસ વપરાશથી બનતી વસ્તુઓ જ આપવામાં આવી રહી છે.
એક તરફ રાજ્ય સરકાર તરફથી ગેસની અછત ન હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વ્યવસાયિક સ્તરે ગેસ સિલિન્ડર સરળતાથી ન મળતા હોટલ ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોલસાના ભાવમાં લગભગ 20 ટકા જેટલો વધારો
ગેસની અછતનો સૌથી વધુ પ્રભાવ હાઈવે પરના હોટલ વ્યવસાય પર પડ્યો છે. ઘણા સંચાલકોને મજબૂરીમાં ગેસના બદલે કોલસા અને લાકડાનો ઉપયોગ કરીને રસોઈ બનાવવી પડી રહી છે.
આ પદ્ધતિ ખર્ચાળ અને વધુ સમય લેનારી હોવાથી વ્યવસાય પર વધારાનો ભાર પડી રહ્યો છે. પરિસ્થિતિનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ કોલસાના ભાવમાં લગભગ 20 ટકા જેટલો વધારો પણ કરી ચૂક્યા છે.
હોટલ સંચાલકોને ભાવવધારો કરવાની ફરજ
હોટલ માલિકોનું કહેવું છે કે ગેસ ઉપલબ્ધ ન હોવાથી ઘણી લોકપ્રિય વાનગીઓ બંધ કરવી પડી છે. માત્ર રોજિંદી માંગવાળી મર્યાદિત વસ્તુઓ જ બનાવવામાં આવી રહી છે. તેની સીધી અસર ગ્રાહકોની સંખ્યામાં પણ જોવા મળી રહી છે, કારણ કે લોકો પાસે મેનુમાં વિકલ્પો ઓછા રહ્યા છે.
આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો હોટલ સંચાલકોને ભાવવધારો કરવાની ફરજ પડી શકે છે. જો ખાણીપીણીના ખર્ચમાં વધારો થશે તો સામાન્ય ગ્રાહકો માટે બહાર જમવું મોંઘું બની શકે છે. ઘણા લોકો જે મહિને એકાદ વખત હોટલમાં જમવા જતા હોય છે, તેઓ આ ખર્ચ ટાળવા તરફ વળી શકે છે.


Leave a Comment