‘હું આપઘાત કરવા માંગતો હતો…’, ધનશ્રીથી છૂટાછેડા પછી યુઝવેન્દ્ર ચહલનું તૂટી ગયું હતું દિલ

યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી બંનેએ આ વાત જાહેર કરી ન હતી. તેઓ ઇચ્છતા ન હતા કે અધૂરી અને ખોટી વાતો સોશિયલ મીડિયા પર ફેલાય. તેણે કહ્યું, “અમે બંને સંમત થયા કે જ્યાં સુધી અમને સંપૂર્ણ ખાતરી ન થાય ત્યાં સુધી અમે તેને જાહેર કરીશું નહીં.”
‘પિક્ચર પરફેક્ટ મેરેજ’ બતાવવા પાછળનું કારણ શું હતું?
આ દરમિયાન, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું સોશિયલ મીડિયા પર ‘પિક્ચર પરફેક્ટ મેરેજ’ બતાવવા પાછળનું કારણ કદાચ વસ્તુઓને ઉકેલવા માટે હતું, ત્યારે ચહલે પ્રામાણિકપણે તેનો સ્વીકાર કર્યો અને કહ્યું, “હા, ક્યાંક ઊંડાણમાં એક આશા હતી કે કદાચ બધું સારું થઈ જશે. તેથી જ અમે ડોળ કરતા રહ્યા.”
ચહલે છૂટાછેડાનું સાચું કારણ જણાવ્યું
ચહલે કહ્યું, “લગ્ન એક સમાધાન છે અને જ્યારે બે લોકો સાથે સમય વિતાવી શકતા નથી, ત્યારે અંતર વધવાનું નક્કી છે. તેણે કહ્યું કે અમે બંને અમારા કામમાં વ્યસ્ત હતા અને ધીમે ધીમે અમારી વાતચીત અને સાથે વિતાવેલો સમય ઓછો થવા લાગ્યો. જ્યારે હું છૂટાછેડાના આ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે લોકો મને ચીટર પણ કહેતા હતા. પરંતુ મેં ક્યારેય કોઈને ચીટ કર્યા નથી. તમને મારા કરતાં વધુ વફાદાર વ્યક્તિ નહીં મળે. કોઈ વ્યક્તિ કોઈની સાથે જોવા મળે છે, લોકો બંને વચ્ચે સંબંધ બાંધવા લાગે છે, અફવાઓ ફેલાવવામાં આવે છે, ફક્ત વ્યૂઝ માટે. મારા ઘરે બે બહેનો છે, હું જાણું છું કે સ્ત્રીઓનું સન્માન કેવી રીતે કરવું.”
એક મહિના સુધી ફક્ત બે કલાક જ સૂઈ શક્યો
ચહલે એ પણ ખુલાસો કર્યો કે છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન તેનું માનસિક સ્વાસ્થ્ય ઘણું બગડ્યું હતું. તે એક મહિના સુધી ફક્ત બે કલાક જ સૂઈ શકતો હતો. તેને આપઘાતના વિચારો આવવા લાગ્યા. તેણે આ વાતો તેના મિત્રો સાથે શેર કરી. મેદાન પર પણ ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાને કારણે તેને ક્રિકેટમાંથી બ્રેક લેવો પડ્યો.